
- રોંગ સાઈડમાં આવતો ટ્રક ફરી વળતા રિક્ષાનો કચ્ચરઘાણ નિકલી ગયો
- જામનગરના વાંઝા પરિવારના ત્રણના મોતથી ગમગીની વ્યાપી ગઈ
- એકસાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠતા પરિવારજનોનું હૈયાફાટ રૂદન
રાજકોટઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજના સમયે રાજકોટના માલીયાસણ નજીક હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં પ્રવાસ કરી રહેલા એક બાળકી સહિત 6ના મોત નિપજ્યા હતા. પૂરપાટ ઝડપે રોંગસાઈડમાં આવતા ટ્રકે અડફેટે લેતા રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, રિક્ષામાં બેઠેલા 7 પૈકી 6 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ તમામ મૃતકો નવાગામનાં હોવાનું અને લગ્ન પ્રસંગ માટે ચોટીલા જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતા 108 તેમજ ફાયર વિભાગ અને પોલીસની ટીમો દોડી આવી હતી અને એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે ખસેડી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, રાજકોટના કુવાડવા રોડનાં માલિયાસણ નજીક ચાંદની રેસ્ટોરન્ટથી આગળ અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકનાં ચાલકે સામેથી આવતી એક રિક્ષાને અડફેટે લીધી હતી. જેને પગલે રિક્ષામાં સવાર 1 વર્ષની બાળકી, ચાર મહિલાઓ અને એક પુરુષ સહિત 6 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને 108 તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત આરટીઓ અધિકારી સહિત 5 જેટલી 108 ઘટનાસ્થળે દોડી આવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતા ક્રેઇનચાલકે રોડની એક સાઈડમાં રિક્ષા ઉપર ચડી ગયેલા ટ્રકને બહાર ખેંચવામાં મોટી મદદ કરી હતી. જેને કારણે 1 વ્યક્તિ અતિ ગંભીર હાલતમાં મળી આવતા તેને તરત જ 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે બાકીના 6 લોકોના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. બનાવ અંગેની જાણ થતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને રીતસરનો આક્રંદ મચાવ્યો હતો. તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું અને લગ્નપ્રસંગે નવગામથી ચોટીલા તરફ જતા હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે. આ અકસ્માતમાં જામનગરના એક પરિવારના ત્રણ લોકોના કરૂણમોત થતાં આજે બુધવારે ત્રણ-ત્રણ અર્થીઓ એક સાથે ઉઠતા હૈયાફાટ રૂદનના દ્રશ્યો સર્જાયા હતા. જામનગરના ગુલાબનગરમા રહેતા વાંઝા પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા.