
- રફ ડાયમંડના ભાવ ઘટાડામાં સ્થિરતા આવી
- વૈશ્વિક બજારમાં જ્વેલરીની ખરીદી શરૂ થતાં ડાયમંડની માગમાં થયો વધારો
- હીરા ઉદ્યોગમાં એક્સપોર્ટમાં થયો વધારો
સુરતઃ હીરા ઉદ્યોગ ઘણા સમયથી વ્યાપક મંદીમાં સપડાયો છે. અનેક હીરાના કારખાનાને ખંભાતી તાળા લાગી ગયા છે. ઘણબધા રત્નકલાકારો માદરે વતન જતા રહ્યા છે. ત્યારે હીરા ઉદ્યોગમાં ધીમી ગતિએ તેજીનો અણસાર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં જ્વેલરીની માગ વધી છે. હીરાના એક્સપોર્ટમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15-20 દિવસથી વૈશ્વિક બજારની અંદર અમેરિકા જેવા દેશોમાં ફરી એક વખત જ્વેલરીમાં ખરીદી શરૂ થઈ હોવાથી ડાયમંડની માગમાં વધારો થયો છે જેને કારણે સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે
સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં હીરા ઉદ્યોગમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો રોજગારી મેળવતા હતા. પણ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો છે. છેલ્લાં અઢી વર્ષથી ઘેરી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે હાલમાં તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. છેલ્લા બે અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં અનેક કારણોસર વૈશ્વિક સ્તરે બજાર બગડી ગયું હતું. ખાસ કરીને નેચરલ ડાયમંડની માગમાં ખૂબ મોટા પાયે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ સુધરતા નેચરલ ડાયમંડની ડિમાન્ડ વધી છે.
વૈશ્વિક સ્તરે અનેક પ્રકારની એવી સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે હીરા ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો હતો. કોરોનાને લીધે હીરાની માગમાં ઘટાડો થયો હતો. ત્યારબાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ, અમેરિકાની ચીન સહિતના કેટલાક દેશોને લઈને વ્યાપારિક પોલિસીઓમાં થયેલા ધરખમ ફેરફારના કારણે વૈશ્વિક સ્તરે હીરાની માગમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકા સહિતના દેશોમાં પણ મંદીની સ્થિતિ ઊભી થતા ડાયમંડ જ્વેલરી તરફ લોકોની ખરીદ શક્તિ ઓછી થઈ હતી.હવે હીરાની માગમાં વધારો થઈ રહ્યો છે. જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના સૂત્રોના કહેવા મુજબ હીરા ઉદ્યોગમાં એક્સપોર્ટ વધ્યું છે. વૈશ્વિક બજારમાં જ્વેલરીની માગ વધી છે.
ડાયમંડ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ હતી. જો કે હવે સારા સમાચાર એ છે કે ડાયમંડના જે સતત ભાવમાં ઘટાડો થતો હતો તે હવે સ્થિર થયા છે. જ્યારે પણ મંદીની સ્થિતિ હોય છે ત્યારે સતત ડાયમંડના ભાવ ઘટી જતા હોય છે. તેને કારણે ઈમ્પોર્ટ પણ ઓછી થઈ જાય છે. છેલ્લા 15-20 દિવસથી વૈશ્વિક બજારની અંદર અમેરિકા જેવા દેશોમાં ફરી એક વખત જ્વેલરીમાં ખરીદી શરૂ થઈ હોવાથી ડાયમંડની માગમાં વધારો થયો છે જેને કારણે સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે.