
- કઠલાલના યાત્રાળુંઓ અંબાજી દર્શન માટે જઈ રહ્યા હતા,
- લકઝરી બસના ચાલકે રીલ બનાવતા 4 બમ્પ કૂદાવ્યા,
- ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર ખસેડાયા
અંબાજીઃ યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે કઠલાલના યાત્રિકોની લકઝરી બસ રેલિંગ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 6નાં મોત નિપજ્યા હતા. અને 35 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થેળે દોડી આવ્યા હતા. દરમિયાન બસના એક યાત્રાળુંએ જણાવ્યું હતુ. કે, અમે ના પાડી હતી, છતાં ડ્રાઈવર રિલ બનાવતો હતો. ડ્રાઈવરે 4 બમ્પ કૂદાવી દીધાં હતા બાદમાં બસ રેલિંગ સાથે અથડાઈનેપલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ પ્રવાસીઓને મદદ કરવાને બદલે ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, ખેડા જિલ્લાના કઠલાલના યાત્રિકો એક લકઝરી બસમાં અંબાજીના દર્શન માટે નિકળ્યા હતા. દરમિયાન અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. દાંતાથી અંબાજી વચ્ચે થયેલા અકસ્માતમાં 6ના મોત નિપજ્યા હતા અને 35થી વધુ પ્રવાસીઓને ઈજાઓ થતા સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ અંબાજી દાંતા વચ્ચે ત્રિશૂલિયા ઘાટ પાસે હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. પ્રવાસીઓએ બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પણ બસચાલક અકસ્માત બાદ નાસી ગયો છે. બનાવની જાણ થતાં જ 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બચાવકાર્ય શરૂ કરી પ્રવાસીઓને બસની બહાર કાઢવામાં આવ્યા હતા. પાલનપુર, દાતા, અંબાજી સહિતની એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. ખેડા જિલ્લાના કઠલાલ ગામના યાત્રિકો દર્શન કરીને પરત જતા અકસ્માતનો ભોગ બન્યા હતા. પ્રવાસીઓના કહેવા મુજબ લકઝરી બસના ડ્રાઇવર નશો કર્યો હતો અને બેદરકારી રીતે બસ હંકારતો હતો.