1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમીરગઢના ઈકબાલગઢ નજીક ટ્રક અને ઈનોવા કાર વચ્ચે અકસ્માતમાં 6નાં મોત
અમીરગઢના ઈકબાલગઢ નજીક ટ્રક અને ઈનોવા કાર વચ્ચે અકસ્માતમાં 6નાં મોત

અમીરગઢના ઈકબાલગઢ નજીક ટ્રક અને ઈનોવા કાર વચ્ચે અકસ્માતમાં 6નાં મોત

0
Social Share

પાલનપુર, 24 જાન્યુઆરી 2026:  રાજ્યના હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક નેશનલ હાઈવે પર સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવી રહેલા આઈસર ટ્રકે ઈનોવા કારને અડફેટે લેતા 6 પ્રવાસીઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 3 પ્રવાસીઓને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દોડી ગયા હતા. આ અકસ્માતને લીધે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પાલનપુર-આબુ હાઇવે પર રોંગ સાઇડથી આવી રહેલા એક આઇસર ટ્રકે ઇનોવા કારને અડફેટે લેતા ઘટનાસ્થળે જ 6 પ્રવાસીઓના મોત નીપજ્યા છે, જ્યારે 3 પ્રવાસીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત બાદ લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. અકસ્માતને પગલે 5 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

 પોલીસ સૂત્રોના કહેવા મુજબ ઇકબાલગઢ પાસે હાઇવે પર એક આઇસર ટ્રક પૂરઝડપે રોંગ સાઇડમાં આવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતી ઇનોવા કાર પર ટ્રક ધડાકાભેર ચડી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇનોવા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર 6 પ્રવાસીઓના સ્થળ પર જ દમ તોડ્યો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતા પીઆઈ બી.ડી.ગોહિલ સહિત અમીરગઢ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઈનોવા કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઉપરાંત તમામ 6 મૃતદેહોને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ઘવાયેલા અન્ય 3 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

અમીરગઢ પોલીસે આ મામલે ગુનો નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રક ચાલકની ગંભીર બેદરકારી અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ આ અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code