- ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડીને રિલ બનાવી,
- વન વિભાગે યુવાનોને 10 હજારનો દંડ ફટકાર્યો,
- થોડા દિવસ પહેલા જ એક યુવાન નીચે પટકાતા મોતને ભેટ્યો હતો,
જૂનાગઢઃ યુવાનોમાં સોશિયલ મીડિયામાં રિલ મુકવાનો ક્રેઝ વધતો જાય છે. અને યુવાનો ક્યારેક રિલ મુકવાના મોહમાં જોખમી હરકતો કરી દેતા હોય છે. ગરવા ગઢ ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ ઘેલછાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં 6 યુવાનો સુરક્ષિત પગથિયાંવાળા માર્ગને બદલે શોર્ટકટ અપનાવીને સીધા ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડતા જોવા મળ્યા હતા. આ જોખમી હરકતો દરમિયાન કોઈનો પણ પગ લપસ્યો હોત તો ગબડીને નીચે પડીને મોતને ભેટ્યા હોત, ઢોળાવવાળો અને લપસણો પહાડી માર્ગ અત્યંત જોખમી હોવા છતાં યુવાનોએ રિલ બનાવવાની ઘેલછામાં આ સાહસ કર્યું હતું. થોડા દિવસો પહેલાં પણ આ જ પ્રકારનો શોર્ટકટ લેવાના પ્રયાસમાં એક યુવાનનું નીચે પટકાતાં મૃત્યુ થયું હોવા છતાં આ યુવાનોએ કૃત્ય કર્યું હતું. 6 યુવાનો પગથિયાં સિવાયના માર્ગે કેવી રીતે પહોંચ્યા, એ અંગે વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા હતા. સોશિયલ મીડિયામાં રિલ જોતા જ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગિરનાર પર્વત પર અનધિકૃત રીતે પ્રવેશ કરનાર પાંચ યુવકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ અને મહુવાના રહેવાસી એવા આ યુવકો પર વન વિભાગ દ્વારા ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત એવી હતી કે, ગિરનાર પર્વત પર 6 યુવાનો પગથિયા ચડવાને બદલે શોર્ટકટ રસ્તો અપનાવીને લપસણા અને ઢોળાવવાળા ચડાણ પર ટ્રેકિંગ કરીને રિલ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. દરમિયાન વન વિભાગના અધિકારીઓએ રિલ જોતા જ યુવાનોનો અત્તોપત્તો મેળવ્યો હતો. આ યુવાનો ભાવનગરના મહુવા વિસ્તારના હતા. વન વિભાગે 6 યુવાનોને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડિત થયેલા યુવકોમાં શિવમ દેવજીભાઈ શિયાળ, ધરમભાઈ ચંદુભાઈ ચૌહાણ, હરેશભાઈ વલ્લભભાઈ રામાણી, બીજલભાઈ નરસિંહભાઈ થાપા અને વિશાલભાઈ મુકેશભાઈ બાંભણિયા (રહે. મહુવા, ભાવનગર)નો સમાવેશ થાય છે. પર્વત પર અનધિકૃત પ્રવેશ બદલ કરવામાં આવેલી આ કાર્યવાહી વન વિભાગ દ્વારા ચેતવણીરૂપ ગણવામાં આવી રહી છે.


