
- ઘઉંની આવક સામાન્ય સિઝન કરતાં એક અઠવાડિયું મોડી
- મે મહિના સુધી ઘઉં અને મસાલાની સિઝન ચાલુ રહેશે
- છૂટક માર્કેટમાં લીંબુનો ભાવ રૂપિયા 70ને વટાવી ગયો
રાજકોટઃ સૌરાષ્ટ્રના યાર્ડમાં હવે રવિ સીઝનના પાકની આવક શરૂ થઈ છે, જેમાં રાજકોટના બેડી યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઇ છે. મુહૂર્તના સોદામાં રૂ.600નો ભાવ બોલાયો છે. આ વખતે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થયા બાદ પણ વરસાદ ચાલુ રહ્યો હતો. પાછોતરા વરસાદને કારણે મગફળી ઉપાડવામાં વિલંબ થયો હતો. જેને કારણે ઘઉંનું વાવેતર મોડું થયું અને તેની આવક પણ એક અઠવાડિયું મોડી શરૂ થઇ છે. જોકે હવે મે મહિના સુધી ઘઉં અને મસાલાની સિઝન ચાલુ રહેશે.
રાજકોટના બેડી યાર્ડમાં ગઈકાલે મંગળવારે ઘઉંની આવક 110 ક્વિન્ટલ થઇ હતી અને તેનો ભાવ રૂ.601થી 646 સુધી બોલાયો હતો. જોકે હવે મગફળી અને કપાસની આવક ઘટી રહી છે. મંગળવારે કપાસની આવક 2100 ક્વિન્ટલ હતી અને તેનો ભાવ રૂ.1310થી રૂ. 1490 સુધી રહ્યો હતો. હવે મસાલાની સિઝન શરૂ થશે. એક બાજુ ઠંડી હવે વિદાય લઈ રહી છે ત્યારે તેની સાથે-સાથે શાકભાજીની આવક અને તેના ભાવમાં પણ અસર જોવા મળી રહી છે.જે લીંબુનો ભાવ 15 દિવસ પહેલાં રૂ.20થી 30 હતો હવે તેનો ભાવ રૂ.50 બોલાઇ રહ્યો છે. જ્યારે છૂટક માર્કેટમાં લીંબુનો ભાવ રૂપિયા 70 સુધી વસૂલવામાં આવી રહ્યા છે. આ સિવાય આદુ, ચોળાસીંગ, સુરણ, ગુવાર, પરવર, ભીંડાના ભાવ પણ રૂ.60થી 70 સુધી બોલાઇ રહ્યા છે.
યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી શાકભાજીની આવક ઓછી થશે. જોકે કેરીની સિઝન શરૂ થશે ત્યારે શાકભાજીની આવક અને ડિમાન્ડ બન્નેમાં ઘટાડો આવશે હાલમાં સ્થાનિક અને મહારાષ્ટ્ર, નાસિક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો અને ગુજરાતના અન્ય શહેરોમાંથી શાકભાજીની આવક થઈ રહી છે.