
- વાહનચાલકો વધારે વોલ્ટેજના એઈડી પ્રોજેક્ટ ફીટ કરાવે છે
- છેલ્લા એક વર્ષમાં 1000 કેસ કરીને 10 લાખનો દંડ ફટકાર્યો
- કાર એસેસરિઝની દુકાનો પર એલઈડી વેચાણ સામે પગલાં ભરવા માગ
રાજકોટઃ કેટલાક વાહનચાલકો વધારો વોલ્ટેજની એલઈડી લાઈટ્સ વાહનો પર બહારથી ફીટ કરાવતા હોય છે. આવી લાઈટ્સને લીધે રાતના સમયે સામેના વાહનચાલકો અંજાઈ જતા હોય છે. અને તેના લીધે અકસ્માતના બનાવો બનતા હોય છે. નિયમ વિરૂદ્ધ વાહનો પર એલઈડી લાઈટ્સ લગાવી શકાતી નથી. આથી રાજકોટ આરટીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વાહનોમાં લગાવેલી વધારાની LED સામે ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. આરટીઓએ છેલ્લા એક વર્ષમાં વાહનોમાં વધારાની LED લગાવવા સામે 1000થી વધુ કેસ દાખલ કર્યા છે અને આશરે 10 લાખથી વધુનો દંડ પણ ફટકાર્યો છે.
નવા વાહનો પર કંપનીઓ સફેદ LED ફિટ કરીને આપી રહી છે, પણ તે ઓછા વોલ્ટેજની અને આરટીઓ માન્ય હોય છે. જ્યારે બીજી બાજુ કેટલાક વાહનચાલકો કંપનીએ ફિટ કરેલી લાઈટ ઉપરાંત વધારાની LED લગાવીને ફરતા હોય છે જેનાથી સામેથી આવતા વાહનચાલક ઉપર બેવડો પ્રકાશ ફેંકાય છે અને પરિણામે તેની આંખો અંજાઇ જવાને લીધે અકસ્માત થવાની પણ સંભાવનાઓ વધી જાય છે. રાજકોટ આરટીઓએ છેલ્લા એક વર્ષમાં વાહનોમાં વધારાની LED લગાવવા સામે 1000થી વધુ કેસ દાખલ કર્યા છે અને આશરે 10 લાખથી વધુનો દંડ પણ ફટકાર્યો છે. સામે આવતા વાહન ચાલકોની આંખો અંજાઇ જાય અને અકસ્માતનું જોખમ સર્જાય તેવી તીવ્ર સફેદ એલ.ઈ.ડી.લાઈટ ફિટ કરાવવી હોય તે ગેરકાયદે છે, અત્યારે વાહનોમાં LED લાઇટ લગાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. LEDનો ત્રાસ ફક્ત શહેરો પૂરતો જ મર્યાદિત નથી. હાઇવે પર પણ આવા વાહનો જોવા મળે છે. જેની સામે આરટીઓ વિભાગે ઝુંબેશ શરૂ કરી છે.
રાજકોટ આરટીઓના અધિકારીના કહેવા મુજબ વાહનો પર નિયમ વિરુદ્ધ એલઈડી લાઈટ્સ ફીટ કરાવીને મોડિફિકેશન કર્યું હોય તો તે ગેરકાયદે ગણાય છે. વાહનની કંપનીએ જે લાઈટ લગાવેલી હોય તેના ઉપરાંત વધારાની LED લગાવી શકાતી નથી, તે નિયમ વિરુદ્ધ છે. ઘણી કંપનીઓ વાહનોમાં પહેલાથી જ સફેદ LED લગાવી આપે છે એ લાઈટ ARAI માન્ય હોય છે, પ્રકાશની તીવ્રતા નિયત હોય છે જ્યારે મોડિફાય કરેલી LEDમાં પ્રકાશની ક્ષમતા વધુ હોય છે જે આંખને નુકસાન કરે છે, આંખ અંજાઇ જાય છે, અકસ્માત થઇ શકે છે.