
- UID નંબરમાં છેડછાડ કરી UPથી 5-7 લાખમાં લાયસન્સ અને હથિયાર મેળવ્યા હતા,
- ગુજરાત ATSને નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી,
- હથિયારના ફેક લાયસન્સ ઓલ ઇન્ડિયા એક્સેસવાળા હતા
અમદાવાદઃ ગુજરાતમાં અગાઉ મણીપુર, મીઝોરમ અને સિક્કીમ સહિતના રાજ્યોના રહીશ બતાવીને હથિયારોના લાયસન્સ મેળવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર અને રાજકોટ સહિત શહેરોમાં ઘણા લોકોએ બહારના રાજ્યના લાયસન્સ મેળવીને હથિયારો ખરીદ્યા હતા. આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાત એટીએસ એલર્ટ બની હતી. દરમિયાન કમર પર રિવોલ્વર લટકાવીને રોલો મારનારા અમદાવાદના વેપારીઓની ગુજરાતી એટીએસએ ધરપકડ કરી છે. હથિયાર લાયસન્સવાળા નહીં પણ કોઈના UID નંબરમાં ચેડા કરીને ઉત્તર પ્રદેશથી મેળવેલા લાઇસન્સ અને હથિયારો હતા. આ સમગ્ર મામલે ગુજરાત ATSને નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી, જેમાંથી 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓમાં કોઈ જીમ ચલાવે છે તો કોઈ ફેક્ટરી ચલાવે છે અથવા તો કોઈ નાનો-મોટો વેપાર કરે છે. તમામે કોઈ એક જ લાઈનથી હથિયારો મેળવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
શહેરમાં કેટલાક લોકો કમરે રિવાલ્વર લટકાવીને ફરતી હોય અને તેમની પાસે પર રાજ્યના લાયસન્સ હોવાની માહિતી મળતા એટીએસ તપાસ કરી રહી હતી તે દરમિયાન એક વ્યક્તિનો ફાયરિંગ કરતો વીડિયો પણ સામે આવ્યો હતો. તેની તપાસમાં યુપીના હથિયારોના લાયસન્સ મેળવવાના કૌભાંડનો પડદાફાશ થયો હતો. ઉત્તર પ્રદેશમાં કઈ રીતે આ લાયસન્સ ઇસ્યૂ થયા તે અંગે પણ ગુજરાત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાત એટીએસના સૂત્રોના કહેવા મુજબ યુપીના હથિયારોના લાયસન્સ મેળવવાના કૌભાંડમાં અત્યાર સુધીમાં 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ 7 આરોપીઓએ ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા છે. કોઈએ 5 લાખ તો કોઈએ 7 લાખ ચૂકવીને લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા હતા. આ તમામ લોકોએ કઈ રીતે આ લાયસન્સની કડી મેળવી અને લાયસન્સ મેળવી લીધા? તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે UID નંબર સાચો હોય છે પરંતુ, કોઈ વ્યક્તિ ઘણા સમય સુધી લાયસન્સ રીન્યૂ ના કરાવે તો તેઓના ડેટામાં છેડછાડ કરીને આ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવતું હતું આ તમામ લોકોએ લાયસન્સ લેવા માટે ઉત્તર પ્રદેશના એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને જે તેને કોઈ સરકારી કચેરીમાં નહીં પરંતુ કોઈ ખાનગી જગ્યાએ બોલાવીને લાયસન્સ અને હથિયાર આપ્યા હતા આ લાયસન્સ ઓલ ઇન્ડિયા એક્સેસવાળા હતા.
અમદાવાદના આરોપીઓની ધરપકડ બાદ હાલ તમામના રિમાન્ડ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે જ્યારે આ તમામ લોકો એક જ કડીથી જોડાયા હોય એવું માનવામાં આવી રહ્યું છે. આ લાયસન્સ મેળવવા માટે પ્રયાસ કરનારા આરોપીઓમાં અમદાવાદના જાણીતા વિજય શંકર જે જીમની ચેઈન ધરાવે છે, હજી પણ આ સમગ્ર કૌભાંડની અંદર કોણ-કોણ બીજા સામેલ છે? તેની તપાસ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં ગુજરાતની ટીમે ઉત્તર પ્રદેશ અને કેટલીક સરકારી કચેરીમાં પણ તપાસ કરે એવી તૈયારીઓ કરી લીધી છે.