 
                                    - ધ્રોળ નજીક ઉદ્યોગપતિ પિતા-પૂત્રને નડ્યો અકસ્માત,
- બીજો અકસ્માતનો બનાવ કાલાવડ નજીક સર્જાયો,
- આઈસરે સ્કૂટરને ટક્કર મારતા બે મહિલાને ઈજા
જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અકસ્માતના વધુ બે બનાવો બન્યા હતા. જેમાં અકસ્માતનો પ્રથમ બનાવમાં ઉદ્યોગકાર પિતા પુત્ર રાજકોટથી જામનગર આવી રહ્યા હતા, તે દરમિયાન ધ્રોળ નજીક ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો, અને 65 વર્ષના ઉદ્યોગપતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, અકસ્માતના આ બનાવમાં ઉદ્યોગપતિના પુત્રને સામાન્ય ઇજા થઈ છે. બીજો અકસ્માતનો બનાવ કાલાવાડ નજીક બન્યો હતો કાલાવડ વિસ્તારમાં એક સ્કૂટર તેમજ આઇસર વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બે મહિલાઓને ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે. કે, જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને લેથ મશીન ટુલ્સ સહિતના પાર્ટ્સ બનાવવાનું કારખાનું ધરાવતા માધવભાઈ ભુપેન્દ્રભાઈ બકરાણીયા તેમજ તેના પિતા ભુપેન્દ્રભાઈ તુલસીભાઈ બકરાણીયા (ઉ.વ. 65) કે જે પોતાના કામ સબબ જામનગરથી રાજકોટ ગયા હતા અને બપોરે બે વાગ્યાના અરસામાં રાજકોટથી જામનગર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ધ્રોળ નજીક આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભુપેન્દ્રભાઈ બકરાણીયાને ગંભીર ઈજા થઈ હોવાથી સૌ પ્રથમ ધ્રોળની સરકારી હોસ્પિટલમાં જ્યાથી વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માત મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
બીજા અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતા અને ફીમેલ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતા દક્ષાબેન ભુપેન્દ્રભાઈ રાખસિયા, કે જેઓ પોતાના ટુ વ્હીલરમાં ભારવીબેન નામના અન્ય મહિલાને બેસાડીને કાલાવડ રાજકોટ હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન એક આઇસરના ચાલકે તેઓને ઠોકર મારતાં બંને મહિલાઓને નાની મોટી ઈજા થઈ હોવાથી કાલાવડની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

