
- ગુજરાતમાં 15 મી માર્ચથી કાળઝાળ ગરમી અનુભવાશે
- દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ બફરાનો અનુભવ થશે,
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઠંડી ગરમી મિશ્રિત વાતાવરણ અનુભવાય રહ્યું છે. રાતે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે હવે ગરમીમાં ક્રમશ વધારો થશે. અને 15મી માર્ચ સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. 15મી માર્ચ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ થશે. જોકે હવામાનના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ બુધ અને શુક્ર મીન રાશિમાં હોવાથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. પરંતું 7 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે. 7 માર્ચ બાદ ઉત્તર ગુજરાતમાં 38-39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 40-41 ડિગ્રી સુધી પહોંચી જઈ શકે છે.
ગુજરાતમાં છેલ્લા એક પખવાડિયાથી દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઉતાર ચઢાવ આવ્યો છે. ગત સપ્તાહમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચો ગયો હતો. આકાશમાંથી જાણે ફેબ્રુઆરીમાં જ અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચથી સાત દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે તથા 24 કલાક દરમિયાન તાપમાન યથાવત્ રહ્યા બાદ ધીરે ધીરે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે. એટલે કે ફરી એકવાર ગુજરાતવાસીઓને આંશિક ગરમીમાંથી રાહત મળ્યા બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાજ્યની ધરા જે સિસ્ટમને કારણે ઠંડી પડી હતી તે સિસ્ટમ પસાર થઈ જતા ફરી એકવાર ગરમીનો અનુભવ થશે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન ધીરે ધીરે રાજ્યનું લઘુતમ અને મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધશે. તથા આગામી 9 અને 10 માર્ચ દરમિયાન રાજ્યના સંપૂર્ણ દરિયાકાંઠા વિસ્તારમાં યલો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. કારણ કે, અરબ સાગરના ભેજ અને ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા ગરમ પવનોને કારણે કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવનો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 9 અને 10 માર્ચ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યંત બફારાનો અનુભવ થશે. તેથી હવામાન વિભાગે ચોથા અને પાંચમા દિવસે હોટ એન્ડ હ્યુમિડ વેધર માટે યલો વોર્નિંગ જાહેર કરી છે.