1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખાનગી હોસ્પિટલોએ હ્રદયરોગના દર્દીઓની આયુષ્યમાનકાર્ડથી સારવાર 1લી એપ્રિલથી બંધ કરશે
ખાનગી હોસ્પિટલોએ હ્રદયરોગના દર્દીઓની આયુષ્યમાનકાર્ડથી સારવાર 1લી એપ્રિલથી બંધ કરશે

ખાનગી હોસ્પિટલોએ હ્રદયરોગના દર્દીઓની આયુષ્યમાનકાર્ડથી સારવાર 1લી એપ્રિલથી બંધ કરશે

0
Social Share
  • કાર્ડિયોલોજી સારવાર માટે મળતા વળતરના દરો યોગ્ય નથી.
  • કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ અવાસ્તવિક,
  • 2015થી કોરોનરી એન્જિયોગ્રાફી પેકેજનો દર વધારાયો નથી

અમદાવાદઃ રાજ્યભરની ખાનગી હોસ્પિટલોના સંચાલકોને આયુષ્યમાન કાર્ડથી હ્રદયરોગના દર્દીઓની સારવાર માટે ઓછા દર ચુકવાતા હોવાથી તા. 1થી 7 એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલૉજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સ ફોરમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોના સંચાલકોના કહેવા મુજબ કાર્ડિયોલોજી સારવાર માટે મળતા વળતરના દરો હાલની આર્થિક પરિસ્થિતિઓ મુજબ નથી. છેલ્લાં દાયકા દરમિયાન સારવાર ખર્ચ સતત વધ્યો છે. પરંતુ, પેકેજના દરોમાં તે પ્રમાણે વધારો નથી થયો, જે દર્દીઓ માટે ગુણવત્તાસભર સારવારમાં અવરોધ ઊભો કરે છે.

ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલાજિસ્ટ્સ ફોરમના સૂત્રોના જણાવ્યા મુજબ  ‘PMJAY નો હેતુ આરોગ્યસંભાળ સુલભ બનાવવાનો છે. પરંતુ આર્થિક વાસ્તવિક્તાઓ-સારવાર ખર્ચની હકીકતને અવગણીને નક્કી કરાયેલા દર અવરોધરૂપ છે. PCI અને અન્ય પેકેજમાં પૂરતો વધારો નહીં થવાથી PMJAY હેઠળ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી સેવા આપવી મુશ્કેલ બની રહી છે. જો યોગ્ય સુધારો નહીં કરવામાં આવે તો પહેલી એપ્રિલથી ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી માટે PMJAY હેઠળ સેવાઓ બંધ કરવા ફરજ પડશે.

રાજયમાં ખાનગી હોસ્પિટલોના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા એવી રજુઆત કરવામાં આવી છે કે, 2015માં ‘મા’ યોજના હેઠળ PCI માટે મળતાં 45 હજારનો દર હવે PMJAY હેઠળ ફક્ત 50800 છે, જે માત્ર 1.22 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે. સારવાર માટેના સાધન, સ્ટાફ, અન્ય ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છતાં પેકેજના દર સમાન રહ્યા છે. તેમજ 2015થી કોરોનરી એન્જિયોગ્રાફી પેકેજનો દર યથાવત્ છે. જીવનરક્ષક સારવાર હોવા છતાં IABPનો સમાવેશ PMJAY હેઠળ કરાતો નથી.  આ અંગે વિવિધ રજૂઆતો સાથેનું આવેદનપત્ર ગુજરાતના જિલ્લા કલેક્ટરોને આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત રાજ્ય આરોગ્ય એજન્સી અને PMJAYના સત્તાધીશોને પણ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ફોરમ દ્વારા કહેવાયું છે કે, હાલના દરો એટલા ઓછા છે કે હૉસ્પિટલો અને કાર્ડિયોલૉલોજીસ્ટ ગુણવત્તાસભર સારવાર આપવામાં નિષ્ફળ જાય છે. આ ઉપરાંત સ્થળ પર કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ અવાસ્તવિક-અવ્યવહારુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code