Homeગુજરાતીગુજરાતજે વિદ્યાર્થી માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે તે જ...

જે વિદ્યાર્થી માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે તે જ સફળ છે : રાજ્યપાલ

  • ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ યોજાયો
  • પાટણને શ્રેષ્ઠ રીજનલ સેન્ટરનો એવોર્ડ
  • જ્ઞાન અને માહિતી વચ્ચે પાતળી ભેદરેખા છે, શિક્ષણમંત્રી

 ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહનું ભવ્ય અને ગરિમાપૂર્ણ  આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષાની સાથે સાથે આત્મિક વિકાસ તરફ પણ પ્રયાણ કરવા સંદેશ આપ્યો હતો.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન અને કાર્યોને યાદ કરતાં કહ્યું કે, તેઓ ભારતના ઇતિહાસના આઝાદીકાળના એક એવા મહાપુરુષ હતા જેમણે સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને નાતજાતના ભેદભાવ સામે એક આંદોલન શરૂ કર્યું હતું. દરેક વ્યક્તિ સમાન રીતે આગળ વધે તેવું તેમનું ચિંતન હતું. જો આપણે સૌ એકતા અને સમરસતાથી આગળ વધીશું, તો આપણો સમાજ અને દેશ નવી ઊંચાઇઓ હાંસલ કરી શકશે. તેમણે આ પ્રસંગે બાબાસાહેબની જન્મજયંતિનું સ્મરણ કરતાં એમના વિચારોને સૌ માટે પ્રેરણારૂપ ગણાવ્યાં હતાં.

વિદ્યાર્થીઓને સંબોધતાં રાજ્યપાલએ કહ્યું કે, પરિશ્રમ અને સમર્પણના પરિણામરૂપે તેઓ આજે પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે. માતા-પિતા, સમાજ અને રાષ્ટ્રને વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષાઓ હોય છે. જે યુવાન આ ત્રણેયની ભાવનાઓનું સન્માન કરે છે, સમાજ અને રાષ્ટ્ર માટે પોતાનાં શિક્ષણ અને આવડતનો ઉપયોગ કરે છે તેને સફળ માનવામાં આવે છે. તેમણે કહ્યું કે સાચી શિક્ષા એ છે કે, જે માત્ર નોકરી માટે નહીં, પણ સમાજ માટે ઉપયોગી બને. તેમણે વૈદિક સંદર્ભ આપતાં કહ્યું કે, સા વિદ્યા યા વિમુક્તયે – સાચી વિદ્યા એ છે જે મુક્તિ તરફ લઈ જાય. આપણી ભારતીય વિદ્યા પરંપરાનું આ પરમ ધ્યેય છે.

આચાર્ય દેવવ્રતજીએ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાય અને તેમની ટીમને છેલ્લા વર્ષો દરમિયાન યુનિવર્સિટીએ મેળવેલી સિદ્ધિઓ માટે અભિનંદન આપ્યાં અને યુનિવર્સિટીની પરિવારભાવનાથી આગળ વધવાની ભાવનાને ખાસ વખાણી હતી. તેમણે ઉમેર્યું કે, યુનિવર્સિટી સતત પ્રગતિની દિશામાં આગળ વધી રહી છે.

આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના દસમાં વાર્ષિક પદવીદાન સમારંભમાં નાના બાળકોને આમંત્રિત કર્યા છે, તે સરાહનીય બાબત છે. આજે યુવાન વિદ્યાર્થીઓને પદવી મળવાની છે તે નિહાળીને નાના બાળકોને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. જ્ઞાન અને માહિતી વચ્ચેનો ભેદ સમજાવતાં કહ્યું હતું કે, જ્ઞાન અને માહિતી વચ્ચે પાતળી ભેદરેખા છે, શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય તે માહિતી છે અને આ માહિતીનો સમાજ તથા લોક કલ્યાણ માટે ઉપયોગ થાય તેને જ્ઞાન કહેવાય છે.

યુ.જી.સી.ના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર એમ. જગદેશ કુમારે જણાવ્યું કે,  NIRFના 2014ના રેન્કિંગ મુજબ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)એ ભારતમાં ઓપન યુનિવર્સિટીની શ્રેણીમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. ઓપન યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવવું એ પરિપક્વતા, દ્રઢ નિશ્ચય અને ધગશનો માર્ગ છે. જેલના કેદી, ગૃહિણી, નોકરિયાત, બિઝનેસમેન એવા કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવતી વ્યક્તિ ઓપન યુનિવર્સિટીમાંથી એક સમાન શિક્ષણ મેળવી શકે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular