
ભારતીય વાયુસેનાને HAL આ વર્ષે 12 તેજસ Mk1A ફાઈટર જેટ સોંપશે
નવી દિલ્હીઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે તે આ વર્ષે ભારતીય વાયુસેનાને 12 તેજસ LCA Mk1A ફાઈટર એરક્રાફ્ટ પહોંચાડશે. અમેરિકન ટેક કંપની GE તરફથી એન્જિનની ડિલિવરી શરૂ થયા પછી આ પ્રક્રિયા શક્ય બની છે. કંપનીએ જણાવ્યું હતું કે પ્રથમ તેજસ Mk1A ફાઈટર એરક્રાફ્ટ આગામી થોડા મહિનામાં તૈયાર થઈ જશે. તે જ સમયે, HAL (હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ) નાણાકીય વર્ષ 2025-26ની આવકમાં 8-10 ટકાની વૃદ્ધિ કરે તેવી અપેક્ષા છે.
તેજસ Mk1A એ HAL દ્વારા ડિઝાઈન કરાયેલ સ્વદેશી રીતે વિકસિત લડાયક વિમાન (LCA) તેજસનું અદ્યતન સંસ્કરણ છે. તે 4.5 પેઢીનું બહુ-ભૂમિકા ધરાવતું ફાઈટર જેટ છે. HALના મતે, એપ્રિલ 2025 સુધી તેની ઓર્ડરબુક લગભગ ₹1.89 લાખ કરોડની છે, જે ગયા વર્ષના ₹94,000 કરોડથી વધુ છે. આગામી ઓર્ડરમાં 97 તેજસ Mk1A ફાઈટર જેટ, ભારતીય વાયુસેના માટે 143 એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH) અને ભારતીય નૌકાદળ માટે 10 ડોર્નિયર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઓર્ડરનું કુલ મૂલ્ય ₹1.25 લાખ કરોડ છે.
HALએ તેજસ Mk1Aનું ઉત્પાદન કરવા માટે બે ઉત્પાદન એકમો સ્થાપ્યા છે – એક બેંગલુરુમાં અને એક નાસિકમાં. વધતી માંગને પહોંચી વળવા માટે HALતેની વિમાન અને હેલિકોપ્ટર ઉત્પાદન ક્ષમતાઓનું વિસ્તરણ કરી રહ્યું છે. ખાસ કરીને નાસિક ફેક્ટરીનું વિસ્તરણ આ વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
HALએ વાયુસેના અને નૌકાદળને સમયસર વિમાન અને હેલિકોપ્ટર પહોંચાડવા માટે આગામી પાંચ વર્ષ માટે ₹14,000-15,000 કરોડના મૂડી ખર્ચની યોજના બનાવી છે. આ દર વર્ષે સરેરાશ ₹3,000 કરોડનું રોકાણ હશે. શુક્રવારે HALના શેરમાં 5 ટકાનો વધારો થયો. “ઓપરેશન સિંદૂર” ની સફળતા બાદ, સ્વદેશી સંરક્ષણ કંપનીઓના ઓર્ડરમાં વધારો થવાની ધારણા છે, જેના કારણે સંરક્ષણ સ્ટોકમાં વ્યાપક તેજી આવશે. આ ઉપરાંત, તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સાથે વધેલા તણાવને ધ્યાનમાં રાખીને સરકાર સંરક્ષણ બજેટમાં વધારો કરે તેવી શક્યતા છે.