1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠામાં 50 હજાર રિચાર્જ કૂવાના નિર્માણનો મુખ્યમંત્રીના હસ્તે કરાયો પ્રારંભ
બનાસકાંઠામાં 50 હજાર રિચાર્જ કૂવાના નિર્માણનો મુખ્યમંત્રીના હસ્તે કરાયો પ્રારંભ

બનાસકાંઠામાં 50 હજાર રિચાર્જ કૂવાના નિર્માણનો મુખ્યમંત્રીના હસ્તે કરાયો પ્રારંભ

0
Social Share
  • વડાપ્રધાન મોદીએ જનશક્તિને જળશક્તિ સાથે જોડા છેઃ મુખ્યમંત્રી
  • દાંતીવાડા તાલુકાના ચોડુંગીરી ગામે રિચાર્જ કૂવા નિર્માણ અભિયાનને લીલીઝંડી અપાઈ,
  • સમારોહમાં  સીઆર પાટિલ, શંકર ચૌધરી, વગેરે ઉપસ્થિત રહ્યા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના ચોડુંગીરી ગામે રિચાર્જ કૂવા નિર્માણ અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્ર્દભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો. જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત 50,000 રિચાર્જ કૂવાના નિર્માણ કરાશે. રિચાર્જ કૂવા નિર્માણ અભિયાનના સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામમાં રિચાર્જ કૂવા નિર્માણ અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્ર્દભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર અને એની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેનના જવાનોને હું અભિનંદન પાઠવું છું. આપણે બધાએ સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે. આપણે વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ જોયો છે. જનશક્તિને જળશક્તિ સાથે જોડી છે. વડાપ્રધાને આપણને પાણી આવે એની પહેલાં પાળ બાંધી લેવાની પરંપરા શીખવાડી છે. વર્ષ 2019માં જળશક્તિ અભિયાનનો વડાપ્રધાને પ્રારંભ કરાવ્યો અને આપણે બધા એના સહભાગી થયા છીએ. સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં એવો મંત્ર આપીને વડાપ્રધાને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનું કામ કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તલાવડીથી ચેકડેમ સુધીનું કામ વડાપ્રધાને કર્યું છે. આપણી સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનો પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું છે. 2500 વર્ષ પહેલાં મહાવીર ભગવાને કહ્યું હતું કે પાણીને ઘીની જેમ વાપરજો, આજે આપણને ખ્યાલ આવે છે કે પાણીની શું કિંમત છે. એટલું જ નહીં, કૃષિના ઋષિ એવા ખેડૂતો પણ પાણીનો સંગ્રહ કરી રહ્યા છે અને જમીનમાં ઉતારવાનું કામ કરી રહ્યા છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે પહેલાંના જમાનામાં આપણા વડવાઓ ચાર બાય ચારનો ખાડો કરીને પણ જમીનમાં પાણી ઉતારતા હતા. તમને બોર કરવાની સરકાર પરમિશન આપે છે અને આપતી રહેશે. તમે બોર કરીને જમીનમાં પાણી ઉતારજો. આપણે જનહિતમાં આ કામ કરવાનું છે અને તળ ઊંચા લાવવાના છે. બધું મળશે, પણ પાણી પૈસાથી નહીં મળે. હવે આપણે બોટલથી પાણી પીવા મજબૂર થયા છીએ. જો આપણે નહીં સાચવીએ તો આવનારા સમયમાં ઘરે મહેમાન આવશે તો કેપ્સ્યૂલ આપવી પડશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત આ પહેલ કરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ભૂગર્ભ જળના સ્તરને ઊંચા લાવવાનો છે. આ પ્રોજેક્ટમાં 50 હજાર રિચાર્જ કૂવા પૈકી 25 હજાર રિચાર્જ કૂવા બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવશે. અટલજીએ કહ્યું હતું કે ત્રીજું વિશ્વ યુદ્ધ થશે એ પાણી માટે થશે, પણ ભારતમાં એ દિવસો નહીં આવે. આપણે બધા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં પાણી માટેના આગમચેતીનાં પગલાં લઇ રહ્યા છીએ અને આગળમાં પણ લેતા રહીશું.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાણીથી ઝઝૂમતા દેશના ડાર્ક ઝોનમાં આવેલા જિલ્લાઓને બહાર લાવવા માટે બીડું ઝડપ્યું છે ત્યારે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી પહેલા પસંદગી કરવામાં આવી છે. ખેતરનું પાણી ખેતરમાં તથા સીમનું પાણી સીમમાં રહે તે માટે બનાસ ડેરીએ બીડું ઝડપ્યું છે. બનાસ ડેરી જિલ્લામાં 25 હજાર રિચાર્જ કુવા બનાવશે જેમાં 50 ટકા સહાય બનાસ ડેરી દ્વારા ખેડૂતોને આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ ભરતભાઈ ડાભી,  બાબુભાઈ દેસાઈ, સર્વે ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર,  કેશાજી ચૌહાણ,  સ્વરૂપજી ઠાકોર,  માવજીભાઈ દેસાઈ, જળ શક્તિ એમ.ડી  અર્ચના વર્મા, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, બનાસ બેન્કના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરી, પૂર્વ ગૃહ મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનાવડીયા સહિત વિવિધ અધિકારીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code