1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાંથી રૂપિયા 500ના દરની 1.50 લાખથી વધુ કિંમતની નકલી ચલણી નોટો પકડાઈ
સુરતમાંથી રૂપિયા 500ના દરની 1.50 લાખથી વધુ કિંમતની નકલી ચલણી નોટો પકડાઈ

સુરતમાંથી રૂપિયા 500ના દરની 1.50 લાખથી વધુ કિંમતની નકલી ચલણી નોટો પકડાઈ

0
Social Share
  • અમદાવાદ એટીએસએ નકલી નોટો સાથે એક શખસને પકડી લીધો,
  • પ.બંગાળથી 500ના ચલણની ફેક કરન્સી લાવી બજારમાં ફેરવવાનો પ્લાન હતો
  • મોટાભાગની નકલી નોટ્સ એક જ સીરીઝ અને એક જ નંબરની છે

સુરતઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ(એટીએસ)એ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પરથી 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટો સાથે એક શખસની ધરપકડ કરી બનાવટી નોટોની હેરફેરના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીની પૂછતાછમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું પણ નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ નકલી નોટો સાથે પકડાયેલા શખસને રિમાન્ડ પર લઈને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગુજરાત ATSને મળેલી બાતમી મળી હતી કે, સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખસ પશ્ચિમ બંગાળ ખાતેથી 500 રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો. તેનો મુખ્ય ઇરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો. બાતમીમાં એ પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો કે, આ સત્યનારાયણ દેવીલાલ તેલી જુલાઈ 22, 2025ના રોજ પોરબંદર-કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત ઉધના રેલ્વે સ્ટેશન પર પહોંચવાનો હતો. ટ્રેન વહેલી સવારે 3:30 વાગ્યે સુરત પહોંચવાની હતી. આ માહિતીને આધારે, જુલાઈ 21, 2025ના રોજ સાંજે 3:30 વાગ્યે ATS કચેરી ખાતેથી બે સરકારી બોલેરો વાહનમાં આખી ટીમ સુરત પહોંચી હતી. જોકે, ટ્રેન પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી હોવાની અને આશરે જુલાઈ 22, 2025ના બપોરે લગભગ 11:30 વાગ્યાની આસપાસ સુરત ઉધના રેલ્વે સ્ટેશન ખાતે પહોંચવાની હોવાની વિગત મળી હતી. આ બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને સવારે 10:30 વાગ્યે ઉપરોક્ત બંને સરકારી વાહનોમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સુરત ઉધના રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અને ઉધના રેલ્વે સ્ટેશન બહાર બાતમી મુજબના શખસની વોચમાં ગોઠવાઈ ગયા. બપોરે 12:10 વાગ્યે મળેલી બાતમી મુજબનો શખસ કાળા કલરના થેલા સાથે જોવા મળતા જ તેને તુરંત રોકી લેવામાં આવ્યો હતો. તેણે પોતાનું નામ સત્યનારાયણ દેવીલાલ તેલી (ઉંમર 29, હાલ રહે: માંકણા ગામ, કિશન મીર્ચ મસાલા કારખાનામાં, 35 શિવ સિટી ઇન્ડસ્ટ્રીઝ, વિભાગ-3, તા.કામરેજ, જી.સુરત; મૂળ રહે: મંગરી, ભટ્ટો કા બામનીયા, તા.કપાસણ, જી.ચિત્તોડગઢ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું..

આરોપીએ પૂછપરછ દરમિયાન તેના કબજામાં ભારતીય ચલણની નકલી નોટો હોવાનું કબૂલ્યું હતુ. તેણે પોતાની પાસે રહેલા કાળા થેલામાંથી એક કાળા, બ્લુ અને લીલા રંગની શાલ કાઢી, જેની અંદર છાપાની પસ્તીમાં વીંટાળેલ 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટો મળી આવી હતી. એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code