
- દાતાએ પોતાની ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા,
- દાનમાં ચાંદીના ભવ્ય દ્વાર, છત્ર અને થાળીનો સમાવેશ,
- અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિધિવત રીતે આ દાનનો સ્વીકાર કર્યો
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં અનેક ભક્તો પોતાની શક્તિ મુજબ દાન કરતા હોય છે. ભક્તોની ઇચ્છા (માનતા) પૂરી થતાં માં અંબાના ચરણોમાં યથાશક્તિ દાન ચઢાવવતાં હોય છે. ત્યારે તાજેતરમાં એક શ્રદ્ધાળુ દ્વારા યાત્રાધામ અંબાજી સ્થિત સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ટ્રસ્ટને અંદાજિત રૂ. 46 લાખની કિંમતનું 40 કિલો ચાંદીનું દાન અર્પણ કરવામાં આવ્યું છે. આ દાનમાં ચાંદીના ભવ્ય દ્વાર, છત્ર અને થાળીનો સમાવેશ થાય છે, જે માતાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા છે.
અંબાજી મંદિર ટ્રસ્ટના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદના એક નનામી શ્રદ્ધાળુ પરિવાર દ્વારા આ અમૂલ્ય ભેટ માતાજીને અર્પણ કરવામાં આવી છે. આ દાતા પરિવારે પોતાની ઓળખ અને ગામ ગુપ્ત રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મંદિરમાં રોજબરોજ ભાવિકો દ્વારા યથાશક્તિ દાન મળતુ હોય છે. ઘણા ભાવિકો પોતાનું નામ જાહેર ન થાય તે માટે ગુપ્ત દાન કરતા હોય છે.
અમદાવાદના શ્રદ્ધાળુઓએ ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવજી મંદિરની જાળીના દ્વાર બનાવી આ ભેટ માતાના ચરણે ધરી છે. અંબાજી મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે વિધિવત રીતે આ દાનનો સ્વીકાર કર્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે આવા નિઃસ્વાર્થ દાનથી મંદિરના વિકાસ કાર્યોને વેગ મળે છે. આ દાન ભક્તોની માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે.