
હિમાચલમાં ભારે વરસાદે તબાહી મચાવી, મણિ મહેશ યાત્રામાં હજારો લોકો ફસાયા, ચંબામાં 11 લોકોના મોત
હિમાચલ પ્રદેશના ચંબા સહિત ભરમૌરમાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. ભરમૌરનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ઘણી જગ્યાએ અનેક મીટર લાંબા રસ્તાઓ તૂટી ગયા છે. ઘણા ભાગોમાં ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પણ પુનઃસ્થાપિત થઈ રહી નથી. મણિ મહેશમાં હજારો પ્રવાસીઓ ફસાયેલા છે.
છેલ્લા ચાર-પાંચ દિવસથી ભૂસ્ખલન અને સતત ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. લોકો પોતાના વાહનો છોડીને પગપાળા નીકળી પડ્યા છે. ચંબા જિલ્લાના ભરમૌરમાં પ્રખ્યાત મણિમહેશ યાત્રા ચાલી રહી છે.
ચંબામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત
છેલ્લા ચાર દિવસથી મોબાઇલ નેટવર્ક ઠપ હતું, જેના કારણે યાત્રા માટે ગયેલા યાત્રાળુઓ તેમના પરિવારના સભ્યોનો સંપર્ક કરી શક્યા ન હતા અને તેઓ ચિંતિત હતા. ભરમૌરમાં પણ, મણિ મહેશ યાત્રા માટે ગયેલા લોકો ભૂસ્ખલન અને રસ્તામાં અવરોધને કારણે વિવિધ સ્થળોએ અટવાઈ ગયા છે. ચંબામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મણિ મહેશથી 3,000 લોકો પાછા ફર્યા છે, જ્યારે 7,000 યાત્રાળુઓ હજુ પણ ફસાયેલા છે. વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓની માહિતી માટે હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા છે. આ યાત્રા દર વર્ષે જન્માષ્ટમીથી રાધાષ્ટમી સુધી યોજવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી ૧૬ ઓગસ્ટે છે અને રાધાષ્ટમી 31 ઓગસ્ટે છે.
ભારે વરસાદે જનજીવન સંપૂર્ણપણે અસ્ત વ્યસ્ત
તમને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. રાજ્યભરમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 795 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને પાંચ જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સતત વરસાદને કારણે બિયાસ નદીના પાણીનું સ્તર વધી રહ્યું છે.
IMD એ ચંબા, કાંગડા અને મંડી માટે બે દિવસ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. ભૂસ્ખલનને કારણે ઘણી જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ચંબા જિલ્લામાં પાંચ ઘર ધરાશાયી થયા છે.