વારાણસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત અને મોરીશસ માત્ર ભાગીદાર નથી, પરંતુ એક પરિવાર છે. બે અલગ અલગ દેશ હોવા છતાં બંનેના સપના અને નિયતિ એકસરખા છે. વડાપ્રધાન મોદી વારાણસીમાં મોરીશસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા. મોદીએ જણાવ્યું કે માર્ચમાં મોરીશસના રાષ્ટ્રીય દિવસના સમારંભમાં હાજરી આપવાનો અવસર મળ્યો હતો, ત્યારે બંને દેશોએ પોતાના સંબંધોને ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધાર્યા હતા. હવે દ્વિપક્ષીય સહકારના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી છે તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે મોરીશસ ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ અને ‘વિઝન મહાસાગર’નો મહત્વનો સ્તંભ છે. ભારતે હંમેશા મોરીશસની સંપ્રભુતાને માન્યતા આપી છે અને તેની સાથે મજબૂતીથી ઉભું રહ્યું છે. તેમણે કહ્યું કે મોરીશસના વિકાસમાં વિશ્વસનીય અને મુખ્ય ભાગીદાર બનવું ભારત માટે ગૌરવની બાબત છે. ચાગોસ કરાર પર પ્રતિભાવ આપતાં મોદીએ કહ્યું કે આ મોરીશસની સંપ્રભુતાની ઐતિહાસિક જીત છે. તેમણે જણાવ્યું કે ભારતે મોરીશસની આવશ્યકતાઓ અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને વિશેષ આર્થિક પેકેજ પર નિર્ણય લીધો છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે, રોજગારીના નવા અવસર ઊભા કરશે અને આરોગ્યસેવાઓને મજબૂત કરશે.
ગયા વર્ષે મોરીશસમાં UPI અને રૂપે કાર્ડની શરૂઆત થઈ હતી. હવે બંને દેશો સ્થાનિક ચલણમાં વેપાર સુલભ બનાવવા માટે કાર્ય કરશે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારતના IIT મદ્રાસ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાન્ટેશન મેનેજમેન્ટએ મોરીશસ યુનિવર્સિટી સાથે સમજૂતી કરી છે. આ કરારો સંશોધન, શિક્ષણ અને નવીનતા ક્ષેત્રે સહકારને નવા સ્તરે લઈ જશે. મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મુક્ત, ખુલ્લો, સુરક્ષિત, સ્થિર અને સમૃદ્ધ હિંદ મહાસાગર ભારત અને મોરીશસની સંયુક્ત પ્રાથમિકતા છે. મોરીશસના મુખ્ય આર્થિક ક્ષેત્રની સુરક્ષા તથા સમુદ્રી ક્ષમતા મજબૂત કરવા માટે ભારત સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે હિંદ મહાસાગર વિસ્તારમાં ભારત હંમેશાં પ્રથમ પ્રતિસાદ આપનાર અને એક સુરક્ષા પ્રદાતા તરીકે ઊભું રહ્યું છે.

