
વિશ્વ શતરંજ ચેમ્પિયન ડી. ગુકેશ આઠમા રાઉન્ડમાં મહિલા વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ સામે રમશે
નવી દિલ્હીઃ વિશ્વ શતરંજ ચેમ્પિયન ડી. ગુકેશ આઠમા રાઉન્ડમાં મહિલા વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ સામે રમશે. આ મુકાબલો ખાસ છે કારણ કે બંને 19 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર છે અને પહેલી વાર મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર આમને-સામને ટકરાશે. જુલાઈમાં મહિલા વર્લ્ડ કપ જીતીને દિવ્યા દેશમુખ પહેલેથી જ કૅન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં જગ્યા બનાવી ચૂકી છે. તેમને ફિડેએ પુરુષોના ગ્રાન્ડ સ્વિસમાં વાઇલ્ડકાર્ડ એન્ટ્રી આપી છે. આ કારણે તેઓ અહીં ટોચના પુરુષ ગ્રાન્ડ માસ્ટર્સ સામે રમશે. નિષ્ણાતોના મતે, પુરુષ વર્ગના મજબૂત ખેલાડીઓ સામે રમવું તેમની કૅન્ડિડેટ્સ ટુર્નામેન્ટની તૈયારીને વધુ નિખારશે.
ડી. ગુકેશનું અત્યાર સુધીનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. શરૂઆતના ચાર રાઉન્ડમાં બે જીત અને બે ડ્રો કર્યા બાદ તેમને સતત ત્રણ હારનો સામનો કરવો પડ્યો. અમેરિકાના અભિમન્યુ મિશ્રા, ગ્રીસના નિકોલસ થિયોડોરુ અને તુર્કીના એડિઝ ગુરેલ સામે તેમની હાર થઈ. હાલમાં તેમના ખાતામાં કુલ ત્રણ પોઇન્ટ છે. બીજી તરફ, દિવ્યા દેશમુખે શાનદાર રમત દેખાડી છે. બે હાર અને ત્રણ ડ્રો સિવાય તેમણે બે મોટા અપસેટ કર્યા. જેમાં તેમણે ઈજિપ્તના બાસેમ અમીન અને સર્વિયાના વેલિમિર ઈવીકને હરાવ્યા. તેમના ખાતામાં કુલ 3.5 પોઇન્ટ છે અને તેઓ હાલ ગુકેશથી આગળ છે.
ફિડેના અનુસાર ગુકેશ અને દિવ્યાનો અત્યાર સુધી ક્લાસિકલ ફોર્મેટમાં માત્ર એકવાર સામનો થયો છે. ડિસેમ્બર 2018માં મુંબઈમાં યોજાયેલા IIFL વેલ્થ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ગુકેશે જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે ફિડેએ ગ્રાન્ડ સ્વિસ (ઓપન) અને ફિડેએ વુમન્સ ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટમાં ટોપ-2 ખેલાડીઓ આવતા વર્ષે યોજાનારા ફિડેએ કૅન્ડિડેટ્સ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરશે. આ એ જ સ્પર્ધા છે, જેના વિજેતા ગુકેશ (પુરુષ વર્ગના હાલના વિશ્વ ચેમ્પિયન) અને ચીનની જુ વેનજુન (મહિલા વર્ગની હાલની વિશ્વ ચેમ્પિયન)ને પડકારશે. ગુકેશની હાલની ફિડે રેટિંગ 2,767 છે, જ્યારે દિવ્યાની રેટિંગ 2,478 છે.