
- ભરૂચમાં ચાર-પાંચ મહિના પહેલા જ આંગડિયા પેઢીની શાખા શરૂ થઈ હતી,
- પેઢીના સીસીટીવી કેમેરામાં બન્ને કર્મચારીઓ ચોરી કરીને ભાગતા જોવા મળ્યા,
- ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચઃ શહેરમાં લલ્લુભાઈ ચકલા નજીક મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં આવેલી એસજી એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ ગ્રાહકો પાસેથી નાણાં ટ્રાન્સફર માટેની રકમ તથા પેઢીની સિલક મળી કુલ રૂ. 74.02 લાખની રોકડ લઈ નાસી જતા ફરિયાદના આધારે ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, મૂળ પાટણના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા કિરણકુમાર દિલીપજી ઠાકોર એસજી એન્ટરપ્રાઇઝ નામથી આંગળીયા પેઢી ચલાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તા.26 મે ના રોજ ભરૂચના લલ્લુભાઈ ચકલા ખાતે આવેલ મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં એસજી એન્ટરપ્રાઇઝ નામથી આંગડિયા પેઢીની નવી શાખા શરૂ કરી હતી. જેમાં સ્ટાફ તરીકે હાર્દિક ડાહ્યાભાઈ પટેલ (રહે-અંબાજી નગર સોસાયટી, પાટણ)અને અજયભાઈ ડાહ્યાભાઈ પટેલ (રહે-પટેલ વાસ, ખારીધારિયાલ ગામ, પાટણ )ને રાખ્યા હતા. સુરતની ઓફિસથી અમને જાણ થઈ હતી કે ભરૂચ ઓફિસથી રૂ.40 લાખનું પેમેન્ટ થયું નથી. અને હાર્દિક તથા અજયનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતો. ભરૂચ ઓફિસના સીસીટીવી કેમેરા ચકાસતા હાર્દિક અને અજય 2 બેગો લઈ જતા હોવાનું નજરે ચડ્યું હતું. ભરૂચ શાખાનો હિસાબ કરતા તા.26 જુનના રોજ સુધી ગ્રાહક પાસેથી મેળવેલ રૂ.74,02,282 જેટલી રકમ સિલક હતી. જે રકમ હાર્દિક અને અજય પોતાની સાથે લઈ નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં હાર્દિકે તેના ભાઈ નિકુલ ડાહ્યાભાઈ પટેલ (રહે-અંબાજી નગર સોસાયટી, પાટણ) અને અજયે તેના ભાઈ નીતિન ડાહ્યાભાઈ પટેલ(રહે-પટેલ વાસ, ખારીધારિયાલ ગામ,પાટણ ) સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હતો. નિકુલ અગાઉ પણ સુરતની એક આંગડિયા પેઢીમાંથી આ પ્રકારે ગ્રાહકોની મોટી રકમની છેતરપિંડી કરી નાસી છૂટ્યો હોવાની વિગતો જાણવા મળી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.