
- EPS-95 હેઠળ મળતું પેન્શન પ્રતિ માસ રૂ. 10 હજાર કરવા કોંગ્રેસની માગણી,
- કેન્દ્ર સરકારમાં અનેક રજુઆતો અને સુપ્રિમનો ચૂકાદો છતાં પેન્શન વધારાતુ નથી,
- કોંગ્રેસના સાંસદો કેન્દ્રના નાણા મંત્રીનો રજુઆત કરશે
અમદાવાદઃ દેશભરમાં 78 લાખથી વધુ EPS-95 આધારીત પેન્શનરો નજીવા પેન્શનને લીધે દયનીય હાલતમાં જીવી રહ્યાં છે. ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારીત પેન્શનરોને સરેરાશ માત્ર 1200/- જેટલું નજીવું પેન્શન મળી રહ્યું છે. ત્યારે, EPS-95ના પેન્શનરોને લઘુત્તમ 10.000 રૂ. પેન્શન આપવા અને સુપ્રીમકોર્ટના ચુકાદાનો સંપૂર્ણ અમલ કરવાની માંગ કરતા કોંગ્રેસે કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશમાં અને ગુજરાતમાં EPS-95 આધારીત પેન્શનરોની દયનીય સ્થિતિ સામે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર મૌન છે. એમ્પ્લોય પેન્શન સ્કીમ-95 જેમાં કર્મચારીના 10 ટકા, જે એકમમાં કામ કરતા હોય તેના 10 ટકા અને કેન્દ્ર સરકારના 1.16 ટકાનું યોગદાન હોય છે. રૂ. 1200/થી 1500 જેટલી નજીવી રકમને લીધે નિવૃત્ત પેન્શનરોને જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ઉંમર સાથે વધતા જતા આરોગ્યના પ્રશ્નો, વધતી જતી મોંઘવારી સામે અન્ય પર આધારિત રહેવા મજબૂર બન્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, EPFO પાસે 30.000 કરોડ જેટલી Unclaimed રકમ પડી રહી છે, બીજી બાજુ પેન્શનરો નજીવી રકમમાં આર્થિક – શારીરિક અને માનસિક હાલાકી ભોગવી રહ્યાં છે. 78 લાખ પેન્શનરોમાંથી 45 લાખ કરતા વધુ પેન્શનરોને માસિક રૂ. 1500/થી ઓછું પેન્શન મળી રહ્યું છે. પેન્શન યોજના પાછળનો હેતુ નાણાંકીય સુરક્ષા સામાજિક સુરક્ષાનો છે. કેન્દ્રના કુલ 78 લાખ પેન્શનરો અને ગુજરાતના 4 લાખ પેન્શનરોને લઘુત્તમ 10.000 રૂ. પેન્શન આપવા કોંગ્રેસપક્ષની માંગ છે. સમગ્ર દેશના 78 લાખ અને ગુજરાતના 4 લાખ પેન્શનરોને ન્યાય મળે અને તેઓને સન્માન સાથે સામાજિક અને નાણાંકીય સુરક્ષા માટે લઘુત્તમ 10.000 રૂ. પેન્શન મળે તે માટે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ અને લોકસભાના સાંસદ શ્રીમતિ ગેનીબેન ઠાકોર દ્વારા નાણાં મંત્રાલય અને શ્રમ મંત્રાલયને રજુઆત કરશે.
તેમણે ઉમેર્યુ હતું કે, પેન્શનરો એ જીવનના શ્રેષ્ઠ વર્ષો દેશમાં કામ કરીને પસાર કર્યા છે. હવે તેમનું જીવન ગૌરવપૂર્ણ અને સન્માન સાથે જીવી શકે. તે માટે સરકાર અને EPFOની જવાબદારી છે. ત્યારે ભાજપ સરકાર સંવેદના દાખવીને 78 લાખ પેન્શનરોને સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ જીવન જીવવાનો ન્યાયપૂર્ણ અધિકાર આપવો જોઈએ. (file photo)