
- અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડી શકે છે,
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે,
- ઉત્તર-પૂર્વ તરફથી પવન ફુકાતા હવે ઠંડીમાં પણ વધારો થશે
અમદાવાદઃ ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસાએ વિદાય લીધા બાદ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, સાથે જ શિયાળાએ પણ ધીમા પગલે આગમન કરી દીધુ છે. અને વહેલી પરોઢે ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, લઘુત્તમ તાપમાનમાં ધીરે ધીરે બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે. કાલે શુક્રવારે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની સંભાવના છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. જ્યારે શનિવારે અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદના ઝાપટાં પડે તેવી શક્યતા છે. તેમજ રવિવારથી મંગળવાર સુધી ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી સાત દિવસમાં કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ મજબૂત બનીને આગામી સપ્તાહમાં લો પ્રેશર એરિયામાં ફેરવાશે, જેના પગલે દક્ષિણ તમિલનાડુ અને કેરળના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.