
- થરાદમાં નર્મદા કેનાલમાંથી મળેલી ડેડબોડી આપઘાત નહીં હત્યા હોવાનું ખૂલ્યું,
- પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ,
- બિલ્ડર લોબીએ રૂપિયા 20 લાખની સોપારી આપી હતી
થરાદઃ શહેર નજીકની નર્મદા કેનાલમાંથી સપ્તાહ પહેલા અમદાવાદના RTI કાર્યકર રસિક પરમારની લાશ મળી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાત હોવાનું લાગતુ હતું પણ એફએસએલ અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખૂલાસો થતાં પોલીસે ત્વરિત તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલીને થરાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હત્યાનું કાવતરું બિલ્ડર લોબી દ્વારા રચવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ₹20 લાખની સોપારી આપી બિલ્ડર લોબીએ તેનો કાંટો કાઢી નખાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ બનાવની વિગત એવી છે કે, થરાદની નર્મદા કેનાલમાં એક યુવાની લાશ મળી હતી. પોલીસે તપાસ કરતા લાશ અમદાવાદના આરટીઆઈ કાર્યકર રસિક પરમારની હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પીએમ રિપોર્ટ બાદ ત્વરિત તપાસ હાથ ધરીને હત્યારા ચાર આરોપીને પકડી લીધા છે. પોલીસ તપાસમાં એવી વિગતો મળી છે કે, મૃતક રસિક પરમાર RTI એક્ટિવિસ્ટ તરીકે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા હતા. પોલીસની આઠ ટીમોએ હાથ ધરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો કે, બિલ્ડર લોબીએ તેમની હત્યા માટે ₹20 લાખની સોપારી આપી હતી.
થરાદ ડીવાયએસપી એસ.એમ. વારોતરીયાએ જણાવ્યું હતું કે, “થરાદ પોલીસને નર્મદા કેનાલમાં એક મૃતદેહ મળ્યાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહ જોઈને પ્રથમ દૃષ્ટિએ ગળાના ભાગે કાપાના નિશાન જણાતા હત્યાનો ડાઉટ ગયો હતો. પીએમ (પોસ્ટમોર્ટમ) રિપોર્ટમાં પણ તે કુદરતી મોત કે આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૃતકની ઓળખ માટે પ્રયાસો કરતાં તે અમદાવાદના રસિકભાઈ હોવાનું માલૂમ પડ્યું હતું. મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે વાવ-થરાદના પોલીસ અધિક્ષકની સૂચનાથી ગુનાનો ભેદ ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સિસના આધારે આઠ અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એક આરોપીનું લોકેશન મળતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પુછપરછ કરતાં તે આરોપી ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત આપી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ હત્યા સોપારી લઈને કરવામાં આવી હતી.
મૃતક રસિક પોતે RTI એક્ટિવિસ્ટ હોવાથી જે જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં અરજી કરીને તેને ખુલ્લો પાડતા હતા. ડીવાયએસપીએ જણાવ્યું કે, “આ કેસમાં બિલ્ડર લોબીની સંડોવણી ખુલી છે. ઝૂંપડપટ્ટી કે વસાહતોના પુન:વિકાસ (રી-ડેવલપમેન્ટ) હેઠળ જેમને નવા મકાનો મળવાપાત્ર હતા, ત્યાં આરોપીઓ બોગસ ગ્રાહકો ઊભા કરીને આખી સ્કીમ ચલાવતા હતા, જેથી ખરેખર હકદાર લોકોને મકાન ન મળે.”