- ગુજરાતમાં ગ્રીન કવર વધરાવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી,
 - ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ અને વૃક્ષપ્રેમીઓ થકી રાજ્યને હરિયાળું બનાવવા પહેલ,
 - ભાગીદારીથી બનાસકાંઠા, સાબરકાંઠા, અને પાટણમાં કુલ 4.44 લાખથી વધુ વૃક્ષો રોપાયા
 
ગાંધીનગરઃ ભારત સહિત વિશ્વભરમાં ‘કલાયમેટ ચેન્જ’ની સમસ્યાના પરિણામલક્ષી ઉકેલ માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં,વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને જનભાગીદારી એટલે કે PPP મોડલથી મહત્તમ વૃક્ષ વાવવા-ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ ઉભું કરવામાં આવી રહ્યું છે.
વન વિભાગની સાથેસાથે ખાનગી ઔદ્યોગિક એકમો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વૃક્ષપ્રેમીઓ થકી ગુજરાતને હરિયાળું બનાવવા વિવિધ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ગ્રિન કવર વધારવાના ધ્યેય સાથે PPP મોડલથી અંદાજે કુલ 7 લાખથી વધુ વૃક્ષો વાવીને ઉછેરવામાં આવી રહ્યા છે. અનોખી પહેલ બદલ કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા તાજેતરમાં આ સંસ્થાઓનું રાજ્ય કક્ષાએ એવોર્ડ આપી સન્માન પણ કરવામાં આવ્યું છે.
પર્યાવરણ બચાવવાની અનોખી જુંબેશ સાથે રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડની SRK નેટ ઝીરો- એમિશન, એનર્જી, વોટર અને વેસ્ટની ઔદ્યોગિક એકમ કેટેગરી અંતર્ગત એવોર્ડ અપાયો છે. આ કંપનીએ નવસારી, ઉભરાટ અને નિમલાઈ ગામોમાં 1.75 લાખથી વધુ વૃક્ષારોપણ કર્યુ છે. વધુમાં કંપનીએ બંને ઓફિસને 6 મેગાવોટ સોલાર પ્લાન્ટથી સંચાલિત કરીને નેટ ઝીરો ઊર્જા અને ઉત્સર્જન હાંસલ કરવાની સાથે DQS ઇન્ડિયા દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટની માન્યતા મેળવી છે. પાણી સંરક્ષણ માટે 100 KLD ક્ષમતા ધરાવતી ગંદા પાણીની શુદ્ધિકરણ સિસ્ટમ અને 7 બોરવેલ રિચાર્જ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. “ગીતા વાટિકા” પ્રોજેક્ટ હેઠળ તળાવોના પુનઃજીવન માટેનું કાર્ય હાથ ધર્યું છે.
જ્યારે ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનને સમુદાય આધારિત વૃક્ષારોપણ અને સહભાગી પાણી વ્યવસ્થાપન માટે જન જાગૃતિ કેટેગરી અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યો છે. વન સપાટી અભિયાન હેઠળ, VSSM સાથે ભાગીદારીમાં બનાસકાંઠામાં 23, સાબરકાંઠા-13 અને પાટણમાં બે સહિત 38 સ્થળોએ કુલ 4.44 લાખથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા છે. “એક બાળક, એક વૃક્ષ” કાર્યક્રમ હેઠળ 1,૦૦૦ શાળાઓમાં 50 હજાર વૃક્ષો રોપાયા, જેમાંથી 40 હજાર વૃક્ષો આજે પણ ફળફૂલ આપી રહ્યા છે. ઉપરાંત આ સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષમાં, બનાસકાંઠામાં 16, સાબરકાંઠા 31, મહેસાણા 12, પાટણ અને ગાંધીનગરમાં એક-એક એમ કુલ 61 તળાવોને ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી 63.80 કરોડ લિટર પાણી સંગ્રહ ક્ષમતા વધારીને 6.38 લાખ ઘન મીટર માટી કાઢવામાં આવી છે જેના પરિણામે 61 ગામોમાં 1.34 લાખથી વધુ ગામજનોને લાભ થયો છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

