- આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા,
- બેઋતુને લીધે વાયરલના કેસમાં થયો વધારો,
- સવાર અને બપોરના તાપમાન વચ્ચે 17થી 18 ડિગ્રીનો તફાવત
અમદાવાદઃ રાજ્યમાં હાલ લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાતથી સવાર સુધી ઠંડી અને બપોરે ગરમી એમ લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બે ઋતુને કારણે વાયરલ બિમારીમાં વધારો થઈ રહ્યો છે. શરદી-ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો થયો છે. સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
ગુજરાતમાં પૂર્વ અને ઉત્તર-પૂર્વ દિશાના પવનો સાથે શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે, પરંતુ ક્લાઈમેટ ચેન્જના કારણે આ વખતે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે ફૂલગુલાબી ઠંડી અને બપોરે ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં સવાર અને બપોરના તાપમાન વચ્ચે 17થી 18 ડિગ્રીનો જંગી તફાવત નોંધાયો છે. સિઝનમાં સૌથી ઠુંડું શહેર દોહાદ નોંઘાયું છે. અહીં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 11 ડિગ્રીએ પહોંચ્યો છે. 13 ડિગ્રી સાથે ડાંગ અને અમરેલીએ નલિયાને પાછળ છોડ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
રાજકોટમાં સવારે 14.8 સેલ્સિયસ તાપમાન સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો, જે માત્ર આઠ કલાકમાં જ 18.2 સેલ્સિયસ સડસડાટ વધીને 33 સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન હતું. આ જ રીતે, ગાંધીનગર અને કેશોદમાં 17.3 સેલ્સિયસ, જ્યારે અમદાવાદ, મહુવા, નલિયા, અને સુરેન્દ્રનગરમાં પણ 18 સેલ્સિયસનો મોટો તફાવત નોંધાયો હતો. એટલે કે, પ્રતિ કલાક સરેરાશ 2 સેલ્સિયસ પારો ઉપર ચડી રહ્યો છે. તાપમાનમાં આ તીવ્ર વધઘટ માનવશરીર માટે હાનિકારક છે. આનાથી વાયરલ શરદી, ઉધરસ, શ્વાસોશ્વાસની તકલીફોથી માંડીને હૃદયરોગનું જોખમ પણ વધે છે. અનેક શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં 4થી 5 ડિગ્રી ઓછું નોંધાયું છે. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ ઘટીને 30થી 40 ટકા આસપાસ રહે છે, જેના કારણે લોકોને ત્વચા સુકાતી હોવાનો અહેસાસ થાય છે. આનાથી ચર્મરોગની શક્યતાઓ પણ વધે છે.


