1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લૂંટેરી દૂલ્હને 15 લગ્નો કરીને યુવકો પાસેથી રોકડ અને દાગીના મળીને કૂલ 52 લાખ પડાવ્યા
લૂંટેરી દૂલ્હને 15 લગ્નો કરીને યુવકો પાસેથી રોકડ અને દાગીના મળીને કૂલ 52 લાખ પડાવ્યા

લૂંટેરી દૂલ્હને 15 લગ્નો કરીને યુવકો પાસેથી રોકડ અને દાગીના મળીને કૂલ 52 લાખ પડાવ્યા

0
Social Share
  • 24 વર્ષીય લૂંટેરી દૂલ્હને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 15 લગ્નો કરીને યુવાનોને ફસાવ્યા,
  • મહેસાણા પોલીસે લૂંટેરી દૂલ્હન ટોળકીને પકડી લીધી,
  • કન્યા શોધતા પરિવારોને ટોળકી ફસાવતી હતી,

મહેસાણાઃ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં અનેક લગ્નવાંચ્છુ યુવાનો માટે તેના પરિવાર દ્વારા કન્યાની તલાશ કરવામાં આવતી હોવા છતાંયે કેટલાક યુવાનોનો લગ્ન માટે કોઈ મેળ પડતો નથી. ત્યારે આવા પરિવારનો સંપર્ક કરીને યુવાનના લગ્ન કરાવી દીધા બાદ યુવતી રોકડ રકમ અને ઘરેણા લઈને નાસી જતી હોવાના બનાવો પણ બની રહ્યા છે. આવી જ એક લૂંટેરી દુલ્હન ટોળકીને મહેસાણા પોલીસે ઝડપી પાડી છે. આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસ પણ ચોકી ઉઠી હતી. ગેંગમાં જે ચાંદીની નામની યુવતી ઝડપાઈ છે તેને માત્ર 24 વર્ષની ઉંમરમાં 15 લગ્ન કર્યા હોવાનો ખુલાસો થયો છે. આ તમામ લોકો પાસેથી રોકડ અને દાગીના મળી 52 લાખ રૂપિયા પડાવાયા હતા. મહેસાણા પોલીસે ચાંદનીની સાથે અન્ય એક યુવતીને પણ ઝડપી પાડી છે તેને પણ ચાર લગ્ન કર્યા હોવાની વિગતો મળી છે.

લૂંટેરી દૂલ્હનના સાગરિતો લગ્ન માટે કન્યાની તલાશ કરતા યુવકોના પરિવારને શોધી કાઢતા હતા. ત્યારબાદ ચોક્કસ રકમ લઈ યુવતીના લગ્નવાંચ્છુ યુવાન સાથે લગ્ન કરાવવામાં આવતા હતા. લગ્નના થોડા જ દિવસોમાં યુવતી રોકડ અને ઘરેણાં લઈને રફુચક્કર થઈ જતી હતી. યુવક દ્વારા જ્યારે આ મામલે ફોન કરવામાં આવે અને પૈસા પરત માગવામાં આવે તો દુષ્કર્મ કેસમાં ફીટ કરવાની ધમકી પણ આપવામાં આવતી હતી.આ ગેંગનો ભોગ બનેલા યુવકોમાં બહુચરાજીનાં આદીવાડાનો એક યુવાન પણ સામેલ હતો. જેની ફરિયાદનાં આધારે પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આદિવાડાના એક યુવકના 12 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદની ચાંદની રમેશભાઇ રાઠોડ સાથે થયા હતા. લગ્ન પહેલાં અને લગ્ન વખતે આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા પાંચ લાખ, સોના-ચાંદીના દાગીના, કપડાં અને મોબાઇલ ફોન મેળવ્યા હતા. લગ્નના માત્ર ચાર દિવસ બાદ જ ચાંદનીના કથિત બનેવી રાજુભાઇ ઠક્કર આદીવાડા ગામે આવ્યા અને ચાંદનીના પિતા બીમાર હોવાનું કહી તેણીને પોતાની સાથે લઇ ગયા હતા. ત્યાર બાદ ચાંદની ઘરે પરત ન આવતા અને મોબાઈલ બંધ આવતા ફરિયાદીને શંકા ગઈ.તપાસ કરતાં ફરિયાદીને જાણવા મળ્યું કે, ચાંદની રાઠોડ અને રાજુભાઈ ઠક્કર (જેણે બનેવીની ખોટી ઓળખ આપી હતી) હકીકતમાં દલાલ હતા. ચાંદનીની માતા સવિતાબેન અને અન્ય એક આરોપી રશ્મિકા પણ આ કૌભાંડમાં સામેલ હતા આ ચારેય ભેગા મળીને ફરિયાદી સાથે ઠગાઈ કરી હતી. જ્યારે ફરિયાદીએ છૂટાછેડા લેવા માટે દલાલ રાજુભાઈનો સંપર્ક કર્યો, ત્યારે તેઓએ ફરિયાદીને અમદાવાદના નરોડા બોલાવ્યા. ત્યાં ઉપરોક્ત ચારેય આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ડરાવી તેમની પાસેથી બીજા રૂપિયા 50 હજાર પડાવી લીધા. આમ, ફરિયાદી સાથે કુલ રૂપિયા 5 લાખ 57 હજારની ઠગાઈ થઈ હતી.

આ કેસમાં પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો કે આ ગુનાહિત ટોળકી માત્ર આ એક કેસ પૂરતી સીમિત નહોતી. આ ટોળકી સમગ્ર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં લગ્ન કરવા ઈચ્છુક લોકોને ટાર્ગેટ કરતી હતી. તેઓ ખોટા નામે આધાર કાર્ડ અને એલ.સી. બનાવી, ખોટા નામો અને સંબંધો બતાવી લોકોને છેતરતી હતી. આ ટોળકી એક જગ્યાએ લગ્ન છુપાવીને બીજી જગ્યાએ લગ્ન કરી પૈસા પડાવવાનું મોટું કૌભાંડ ચલાવી રહી હતી.

મહેસાણા પોલીસના કહેવા મુજબ  આરોપી ચાંદનીએ કુલ 15 લગ્ન કર્યા છે.દરેક જગ્યાથી અલગ અલગ રકમ લીધી છે ત્યારબાદ ત્યાંથી ફરાર થઇ જાય છે.દરેક લગ્ન દરમિયાન આ ટોળકીએ પોતાના આધારકાર્ડ એલસી પણ નકલી આપતા હતા.આ અંગે બનાવતી દસ્તાવેજનો ઉપયોગ કરવા અંગેની પણ કલમ નો ઉમેરો કરવામાં આવ્યો છે.આટલા લગ્ન દરમિયાન આ ટોળકી એ અંદાજે 52 લાખ અને અન્ય દાગીના પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.ચારે આરોપી પાંચ દિવસના રિમાન્ડ ઉપર છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code