- કંડલા પોર્ટ પર હાલ 16 કાર્ગો અને 8 ઓઈલ જેટી કાર્યરત છે,
- નવી ઓઈલ જેટીનું કામ 18 મહિનામાં પૂર્ણ કરાશે,
- 1 લી ડિસેમ્બર, 2025 ના રોજ પ્રી-બિડ મીટિંગનું આયોજન કરાશે
ગાંધીધામઃ કંડલાના દીનદયાલ પોર્ટ પર બહારથી આવતા જહાજોનો સારોએવો ટ્રાફિક રહેતો હોય છે. કંડલામાં હાલમાં 8 ઓઈલ જેટી અને 16 કાર્ગો જેટી કાર્યરત છે. જેમાં વધુ એક ઓઈલ જેટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓઈલ જેટીના નિર્માણ માટેનું ટેન્ડર પોર્ટ પ્રશાસન દ્વારા બહાર મુકાયું છે. પોર્ટના સિવિલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવનારો આ પ્રોજેક્ટ 18 મહિનાની અંદર પૂર્ણ કરાશે.
કંડલાના દીન દયાળ પોર્ટ પર 8 ઓઈલ જેટી કાર્યરત છે. ઓઈલની વધુ આયાતને લીધે ઓઈલ ભરેલી શીપને દિવસો સુધી પ્રતિક્ષા કરવી પડતી હોય છે. ત્યારે વધુ એક ઓઈલ જેટી બનાવવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. ઓઈલ જેટીના નિર્માણ માટેનું ટેન્ડર પોર્ટ પ્રશાસન દ્વારા બહાર મુકાયું છે. ટેન્ડર બધા લાયક બિડર્સ માટે ખુલ્લો છે અને તેમાં ચોક્કસ પૂર્વ-લાયકાત માપદંડોની રૂપરેખા આપવામાં આવી છે. રસ ધરાવતી કંપનીઓએ જેટી, બર્થ, ખાડી અથવા વાડ જેવા દરિયાઈ માળખાકીય પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર પૂર્વ અનુભવ દર્શાવવો આવશ્યક છે, જેમાં સંકળાયેલ પાઇલિંગ કાર્યોનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં લઘુત્તમ નાણાકીય ટર્નઓવરની આવશ્યકતા 24.54 કરોડ છે.
કંડલા પોર્ટના સૂત્રોના કહેવા મુજબ બિડ સબમિટ કરવાની અંતિમ તારીખ 22 ડિસેમ્બર, 2025, સાંજે 4:00 વાગ્યે છે. 1 ડિસેમ્બર, 2025 ના રોજ પ્રી-બિડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકનિકલ બિડ 22 ડિસેમ્બરના રોજ સાંજે 4:05 વાગ્યે ખોલવામાં આવશે. આ પ્રોજેક્ટ ભારતના મુખ્ય દરિયાઈ કેન્દ્રોમાંના એક, કંડલા ખાતે બંદર માળખાગત સુવિધાનો વિસ્તાર કરવા અને ક્ષમતા વધારવાના પ્રયાસોનો એક ભાગ છે.


