1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં 4થી ડિસેમ્બરથી 74મી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશીપ યોજાશે
રાજકોટમાં 4થી ડિસેમ્બરથી 74મી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશીપ યોજાશે

રાજકોટમાં 4થી ડિસેમ્બરથી 74મી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશીપ યોજાશે

0
Social Share
  • અલગ-અલગ રાજ્યોની 35થી વધુ પુરુષો અને મહિલા ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે,
  • ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે 21 વર્ષ બાદ પોલીસ હોકી ચેમ્પિયનશિપ યોજાશે,
  • 15 ડિસેમ્બરના રોજ ક્લોઝિંગ સેરેમની સાંજે 4 વાગ્યે યોજાશે

રાજકોટઃ શહેરમાં ગુજરાત પોલીસ વિભાગના યજમાનપદે તા. 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 74મી નેશનલ લેવલની ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ યોજાશે. જેમાં દેશભરમાંથી અલગ-અલગ રાજ્યોની 35થી વધુ પુરુષ અને મહિલા ટીમો  ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. જેમાં પેરા મિલિટરી ફોર્સનો પણ સમાવેશ થાય છે. શહેર પોલીસ વિભાગ દ્વારા હોકી ચેમ્પિયન માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ શહેરના આંગણે આગામી 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 74મી નેશનલ લેવલની ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું શહેરના મુખ્ય બે એવા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરાશે. આ માટે તૈયારીઓ કરવા માટે DGPની અધ્યક્ષતામાં અલગ અલગ 10 કમિટીની રચના કરવામાં આવી છે અને હાલ આ ટૂર્નામેન્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના રેસકોર્સ મેદાન સ્થિત આરએમસી સંચાલિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા હોકી ગ્રાઉન્ડમાં યોજાનારી પોલીસ હોકી ચેમ્પિયનશિપનું હાલ રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે જે માટે અંતિમ તારીખ 28 નવેમ્બર છે. આ ટૂર્નામેન્ટને યાદગાર બનાવવા અને ગુજરાત અને રાજકોટનું નામ રોશન કરવા શહેર પોલીસ દ્વારા ઝીણવટભરી બાબતો આવરી લઈ પુરજોશમાં તૈયારીઓ છેલ્લા 15 દિવસથી કરવામાં આવી રહી છે. તા. 4 ડિસેમ્બરના રોજ પ્રથમ ભવ્ય ઓપનિંગ સેરેમની રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 8:30 વાગ્યે યોજવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે.

આ પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં ભાગ લેતી દરેક ટીમ સાથે ઇન્ટ્રોડક્શન પણ કરાશે. જ્યારે તા. 15 ડિસેમ્બરના રોજ ક્લોઝિંગ સેરેમની સાંજે 4 વાગ્યે યોજવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે.

રાજકોટમાં પ્રથમ વખત 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરવા પાછળ પણ એક મહત્ત્વનું કારણ છે. વર્ષ 2016માં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રેસકોર્સ સંકૂલમાં અંદાજીત 5 કરોડથી વધુના ખર્ચે હોકીનું મેદાન તૈયાર કરવામાં આવ્યું હતું. જેને મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ નામ આપવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડને ઇન્ટરનેશનલ લેવલનું બનાવવામાં આવ્યું હોવાથી હોલેન્ડથી આવેલા નિષ્ણાંતોએ હોકી ગ્રાઉન્ડની ચકાસણી કર્યા બાદ તેને ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ મેદાન ગુજરાતનું પ્રથમ એવું હોકી મેદાન છે કે જે ટર્ફ મેદાન છે. ટર્ફ મેદાનને કારણે ખેલાડીઓને સ્પીડ અને સ્કીલ બંને મળી રહે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code