- આરોપીઓ ડૂપ્લીકેટ ફેસક્રીમ બનાવીને જાણીતી બ્રાન્ડના સ્ટીકર લગાવી દેતા હતા
- આરોપીઓ જાણીતી બ્રાન્ડના નામે અડધી કિંમતે નકલી ફેસક્રીમ વેચતા હતા
- સુરતના પૂણા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
સુરતઃ પનીર, માખણ, ઘી સહિત નકલી ખાદ્ય ચિજ-વસ્તુઓ પકડાયા બાદ જાણીતી બ્રાન્ડના નામે નકલી બ્યુટી પ્રોડક્ટ બનાવતુ કારખાનુ પકડાયુ છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝામાં પોલીસે દરોડો પાડીને જાણી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ નકલી ફેસ ક્રીમનો લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને સ્થળ પરથી 21 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આ હલકી ગુણવતા વાણી ક્રીમ પર બ્રાન્ડેડ સ્ટીકર લગાવી અડધી કિંમતમાં ઓનલાઈન વેચણ કરતો હતો.
સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝાના બીજા માળે એક દુકાનમાં નકલી બ્યુટી ક્રીમ બનાવવાનું કામ ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી. આ કૌભાંડમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી ક્રીમ બનાવવામાં આવતુ હતુ. કંપનીના પ્રતિનિધિઓને આ બાબતની શંકા જતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ જાણીતી બ્રાન્ડના નામે ફેક ક્રીમ બનાવવાના કૌભાંડમાં 21 વર્ષનો આરોપી અર્ષિત લાલજીભાઈ દેસાઈ (રહે. કામરેજ) મુખ્ય સૂત્રધાર છે. આરોપી હલકી કક્ષાની ક્રીમ લાવી તેને પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરતો હતો. આ ડબ્બીઓ પર અસલી કંપનીના સ્ટીકર લગાવી, હીટ ગન મશીનથી પ્રોફેશનલ પેકિંગ કરવામાં આવતું હતું. આ નકલી ક્રીમ તે ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતો હતો.
પોલીસ તપાસમાં એવુ જાણવા મળ્યુ છે કે, ઓરીજનલ ક્રીમની એક બોટલની કિંમત 399 રૂપિયા છે, જ્યારે આરોપી ગ્રાહકોને લલચાવવા માત્ર 170 રૂપિયામાં આ નકલી ક્રીમ ઓનલાઈન વેચતો હતો. પોલીસે શાશ્વત પ્લાઝા અને આરોપીના કામરેજ સ્થિત ઘરે દરોડા પાડીને વસ્તુઓ કબજે કરી છે. જેમાં નકલી ક્રીમની 801 નંગ ડબ્બીઓ (50 ml), કંપનીના લોગોવાળા નકલી સ્ટીકરો અને પારદર્શક પેકિંગ રેપર, હીટ ગન મશીન અને ફ્લિપકાર્ટના બ્રાન્ડિંગવાળી સેલોટેપ મળી કુલ કિંમત આશરે 3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.


