અમદાવાદ, 22 જાન્યુઆરી 2026: શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં BGMI ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને આકાશ ઓડ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ગાયકવાડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ કેસમાં બે આરોપી લાલો રાઠોડ અને તેના મિત્ર શાહિદખાન પઠાણની ધરપકડ કરી છે અને મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આકાશ ઓડ નામના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. BGMI ગેમ રમવા બાબતે બોલાચાલી થઈ હતી. અને આ ઝઘડામાં સમાધાન થયા બાદ પણ માથાભારે શખસે તેના સાગરીતો સાથે મળીને આકાશ ઓડ નામના યુવાનને ઉપરાછાપરી છરીઓના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે બન્ને આરોપીને રાઉન્ડ અપ કરી લીધા છે, આરોપીની પૂછતાછમાં બે દિવસ પહેલાં આરોપી BGMI (બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા) રમી રહ્યો હતો ત્યારે મૃતક યુવક સાથે તેને બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને આ હત્યા કરાઈ હતી.
આ બનાવમાં જમાલપુર પીરભાઈ ધોબીની ચાલીના મકાન નંબર 3માં રહેતા જયેશ બાબુભાઈ ઓડે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પાડોશમાં રહેતા લાલો રાઠોડ અને તેના મિત્રો વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. જયેશ ઓડ સંયુક્ત પરિવારમાં રહે છે અને ગઈકાલે મોડીરાતે તેના ભાઈની ઘાતકી હત્યા થઈ ગઈ છે. જયેશ રાઠોડનો ભાઈ આકાશ ગઈકાલે નોકરીથી ઘરે આવી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો. હુમલો એટલો ખતરનાક હતો કે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.


