ગાંધીનગર, 22 જાન્યુઆરી 2026: ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સાયબર માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં દેશવ્યાપી સાયબર ફ્રોડ કરતી ગેન્ગને દબોચી લેવામાં આવી છે. ગેંગના માસ્ટરમાઇન્ડ સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ દ્વારા દેશના 28 રાજ્યોમાં કુલ 1,229થી વધુ સાયબર ફ્રોડ કરવામાં આવ્યા હતા. જેમાં 826 કરોડથી વધુની છેતરપિંડી થયાની હકિકત જાણવા મળી છે.
ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટ કરીને તેમજ નોકરીની લાલચ આપીને ઓનલાઈન ઠગાઈના બનાવો વધતા જાય છે, ત્યારે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સાયબર માફિયાની ગેન્ગને પકડવા માટે જહેમત ઉઠાવીને સાયબર ફ્રોડ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત આઠ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસની પૂછતાછમાં એવી હકિક્ત જાણવા મળી છે કે, આરોપીઓએ ઠગાઈ માટે 9 નકલી પેઢીઓ ઊભી કરી હતી અને તેના નામે કુલ 82 બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. જેમાં 28 કરંટ એકાઉન્ટ અને 45 સેવિંગ એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ ખાતાઓ દ્વારા કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન કરવામાં આવતુ હતું.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ ઝડપાયેલા તમામ આરોપીઓ સુરતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે ખાતાઓ મેળવતા હતા. ત્યાર બાદ SMS, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા માધ્યમથી ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, UPI ફ્રોડ, ડિપોઝિટ, લોન તથા પાર્ટ-ટાઈમ જોબ ફ્રોડ જેવા ગુનાઓ આચરતા હતા. આરોપીઓ ઠગાઈથી મેળવેલી રકમ હવાલા મારફતે સાયબર માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ગેંગ દ્વારા અંદાજે 500 કરોડથી વધુના નાણાકીય હવાલા ટ્રાન્સફ કરવામાં આવ્યા છે. આ કેસમાં મુંબઇ અને રાજસ્થાન કનેક્શન પણ સામે આવ્યું છે. તેમજ વિદેશી કનેક્શન હોવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.


