મહેસાણા, 25 જાન્યુઆરી 2026: કેન્દ્ર સરકારે તમાકુ અને તમાકુની બનાવટો પર તોતિંગ ટેક્સ લાદ્યો છે. તેના કારણે તમાકુ ઉત્પાદક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ઊંઝાના ઉનાવામાં તમાકુ પકવતા ખેડૂતો અને વેપારીઓ સરકારની નીતિ સામે મેદાનમાં આવ્યા છે. સરકાર દ્વારા બિન ઉત્પાદિત તમાકુ પર જે રીતે ટેક્સનું ભારણ વધારવાની તૈયારી કરાઈ છે, તેના કારણે વેપારીઓ અને ખેડૂતો બંને મુશ્કેલીમાં મુકાયા છે. ઊંઝા તમાકુ વેપારી મંડળ અને ખેડૂતોએ સાથે મળીને ઉનાવા એપીએમસીના ચેરમેનને આવેદનપત્ર આપી આ ટેક્સ ઘટાડવાની માંગ કરી છે.
એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા માર્કેટયાર્ડ નજીકના ઉનાવા યાર્ડમાં તમાકુ ઉત્પાદન કરતા ખેડૂતોએ મોરચો માંડ્યો છે. તમાકૂ પર અસહ્ય ટેક્સને લીધે ભાવ ગગડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઉનાવા વિસ્તારના તમાકુના વેપારીઓ અને ખેડૂત મંડળ દ્વારા એપીએમસીના ચેરમેનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ વિરોધનું મુખ્ય કારણ છે, બિન ઉત્પાદિત તમાકુ પર સરકાર દ્વારા લાદવામાં આવી રહેલા ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ.
તમાકૂના વેપારીઓના કહેવા મુજબ, તાજેતરમાં સરકાર દ્વારા તમાકુ પર 28% GST અને તેની ઉપર એક્સાઈઝ ડ્યૂટી જેવા ટેક્સનું ભારણ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે ઉત્તર ગુજરાતના 600 થી 700 જેટલા વેપારીઓ મુંઝવણમાં છે. વેપારીઓનું કહેવું છે કે આટલા ઊંચા ટેક્સના કારણે ખેડૂતો પાસેથી સારા ભાવે માલ ખરીદી નહીં શકે. બીજી તરફ, આ તોતિંગ ટેક્સનો સીધો માર ધરતીપુત્રો પર પડી રહ્યો છે. ખેડૂતોની વ્યથા છે કે જો વેપારી માલ નહીં ખરીદે અથવા નીચા ભાવે ખરીદશે, તો ખેડૂતોનું ગુજરાન કેવી રીતે ચાલશે ?
બનાસકાંઠા અને મહેસાણા પંથકમાં મોટા પાયે તમાકુનું વાવેતર થાય છે. પરંતુ ભાવ ન મળવાને કારણે પ્રસંગો સાચવવા કે બાળકોનું પેટ ભરવું પણ મુશ્કેલ બનશે. સ્થિતિ એવી છે કે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવી શકે છે. આ મામલે ઉનાવા APMC ના ચેરમેને ખેડૂતો અને વેપારીઓની રજૂઆત સાંભળી હતી. તેમણે ખાતરી આપી છે કે માર્કેટ કપાસ અને તમાકુ પર નિર્ભર છે, ત્યારે આ ટેક્સના ભારણ અંગે તેઓ રાજ્ય સરકાર અને સંબંધિત મંત્રીઓ સમક્ષ રજૂઆત કરશે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને વેપાર ધમધમતો રહે.


