નડિયાદ, 2 ફેબ્રુઆરી 2026: શહેરના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના દિને સાકરવર્ષાનો ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. અવધૂત સંતરામ મહારાજની 195 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને રવિવારે મંદિર પરિસરમાં હજારો મણ સાકર અને સુકા ટોપરાની વર્ષા કરવામાં આવી હતી. આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે નડિયાદ શહેર સહિત સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાંથી લાખોની મેદની ઉમટી પડી હતી. વહેલી સવારથી જ મંદિરના દ્વારે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર શહેર ‘જય મહારાજ’ના જયઘોષથી ગુંજી ઉઠયું હતું.
નડિયાદ શહેરમાં સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના દિને સાકરવર્ષા મહોત્સવમાં આસ્થાનું ઘોડાપૂર ઉમટયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સંતરામ મંદિરના વર્તમાન મહંત રામદાસજી મહારાજ દ્વારા દિવ્ય આરતી ઉતારવામાં આવ્યા બાદ મંદિરના શિખર અને પરિસરમાંથી સેવકો દ્વારા સાકર અને ટોપરાના ટુકડા ઉછાળવાનું શરૂ કરાતા જ ભક્તોમાં પ્રસાદ ઝીલવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પરંપરા સદીઓથી અવિરત ચાલી આવે છે અને માનવામાં આવે છે કે આ સાકરનો પ્રસાદ લેવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. સાકરવર્ષાના કારણે મંદિરનું પ્રાંગણ શ્વેત ચાદર પથરાઈ હોય તેવું ભાસતું હતું. ઉત્સવને પગલે નડિયાદમાં લોકમેળા જેવો માહોલ સર્જાયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મંદિરના સ્વયંસેવકોની દેખરેખ હેઠળ લાખો લોકોએ શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા હતા. પંચમહાલ, મધ્ય ગુજરાત અને ચરોતર પંથકમાંથી લોકો પદયાત્રા કરીને પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા હતા.ભક્તોની સુવિધા માટે મંદિર પ્રશાસન દ્વારા પીવાના પાણી અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રસ્તામાં ભક્તો માટે છાસ અને અલ્પાહારના કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા હતા. એસ.ટી. નિગમ દ્વારા પણ ભક્તોની અવરજવર માટે વધારાની બસો દોડાવવામાં આવી હતી.
સંતરામ મંદિરની બહાર અને શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ મેળો યોજાયો હતો. મનોરંજનના સાધનો, ખાણી-પીણીના સ્ટોલ અને રમકડાંની દુકાનોથી બજાર ઉભરાઈ રહ્યું છે. ગ્રામીણ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળાની મોજ માણવા ઉમટી પડતા નડિયાદના માર્ગો પર ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી.


