જુનાગઢ, 9 ફેબ્રુઆરી 2026: શહેર નજીક ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે આગામી તા.11 ફેબ્રુઆરીને બુધવારથી 5 દિવસીય મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. દર વર્ષની જેમ મેળામાં લાખો લોકો ઉમટી પડશે, તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર ભવનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ ક્ષેત્રો, ધર્મસ્થાનકો, અન્નક્ષેત્રો અને જ્યાં લોકો મોટા પ્રમાણમાં રોકાવાના છે, તેવા તમામ સ્થળો, ઉતારા પર તપાસ અભિયાન શરૂ કર્યું છે. આમ મહાશિવરાત્રીના મેળાને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
જુનાગઢના ગરવા ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે મહા વદ નોમથી તેરસ સુધી પાંચ દિવસીય મહાશિવરાત્રીના મીની કુંભ મેળો યોજાશે. જેને ધ્યાનમાં રાખીને જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ખાસ અને વિશેષ પ્રકારે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને બંદોબસ્ત શરૂ કરી દેવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા LCB, SOG અને જિલ્લાની ખાસ તાલીમ પામેલી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શિવરાત્રીના સમગ્ર મેળા દરમિયાન 3,000 જેટલા પોલીસ જવાનોને ત્રણ કિલોમીટરના સમગ્ર ભાવનાથ વિસ્તારમાં સુરક્ષા માટે ગોઠવી દેવાશે. પોલીસ દ્વારા ભવનાથ મંદિરની સાથે ભારતી આશ્રમ, શેરનાથ બાપુ આશ્રમ સહિત ભવનાથમાં આવેલા તમામ નાના-મોટા મંદિરો, આશ્રમો, ધર્મશાળાઓ અને અન્નક્ષેત્રોમાં પોલીસની તાલીમ પામેલી વિશેષ ટીમો દ્વારા ખાસ સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ‘આ વર્ષે પ્રથમ વખત ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો મીની કુંભ તરીકે ઉજવવા જઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા વ્યવસ્થા ગૃહ વિભાગ દ્વારા ઉભી કરવામાં આવી રહી છે. જેમાં જુનાગઢની સાથે મોટાભાગના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ મેળાના પાંચ દિવસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની જવાબદારીઓ સંભાળશે.


