ભાવનગર,12 ફેબ્રુઆરી 2026: કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગરને 100 ઈવી બસની ભેટ મળતા જેમાં પ્રથમ 50 બસો આવી ગઈ છે. અને 50 ઈવી બસોનો લોકાર્પણ સમારોહ આગામી તા. 14મી ફેબ્રુઆરીને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાશે. શહેરમાં 50 ઈવી બસો શહેરના વિવિધ આઠ રૂટ્સ પર દોડાવવામાં આવશે,
કેન્દ્ર સરકાર દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત 100 ઈલેક્ટ્રિક બસ ભાવનગરને ભેટમાં આપવામાં આવી છે. જેમાં 50 બસનો પ્રથમ જથ્થો આવી પહોચતા 14મી ફેબ્રુઆરીને શનિવારે લોકાર્પણ કરાશે. પ્રથમ તબક્કામાં આઠ રૂટ પર 50 સિટી બસ દોડાવવાની તંત્રની તૈયારી છે અને તેનું લોકાર્પણ ભવ્ય રીતે યોજાશે. જેને લઈને ભાવનગર મનપાના 16 જેટલા અધિકારીઓને આ જવાબદારી સોંપી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગર પધારશે અને ઈ-બસોને લીલી ઝંડી આપશે. આ લોકાર્પણ કાર્યક્રમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સાક્ષી બનશે. પ્રથમ ફેઝમાં સવારના અલગ અલગ આઠ રૂટ પર 50 સિટી બસ દોડાવવાની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. પ્રથમ આઠ રોડ પર સિટી બસ સેવા નિયમિત અને યોગ્ય ધોરણે શરૂ કર્યા બાદ નવા રૂટનો ઉમેરો પણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગરને 100 જેટલી ઈ-બસ ફાળવવામાં આવી છે. જે પૈકી 50 બસ એક મહિના પૂર્વે આવી ચૂકી છે. જ્યારે બાકીની બસોની ડિલિવરી ટૂંક સમયમાં મળશે. લોકોમાં પણ આ બસ સેવાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. 50 જેટલી ઈ-બસો શહેરના ગંગાજળિયા બસ સ્ટેશન ખાતે લાવવામાં આવશે.
સિટી બસના રૂટ્સ નક્કી કરીને મ્યુનિ. દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવમાં આવી હતી. જેમાં બસોની સુચારૂ અવરજવર માટે રોડ પર નડતરરૂપ તમામ કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તેમજ રૂટ પર આવતા તમામ રિક્ષાઓ કે અન્ય વાહનો કે દબાણો અડચણરૂપ હટાવી લેવામાં આવ્યો છે. શહેરના 13 વોર્ડના અલગ અલગ 17 રૂટ પર આ બસો દોડાવવાનું આયોજન છે. અંદાજે 28 કિમીની પેરીફેરીમાં આ સેવાનો લાભ મળશે. મુસાફરોની સુવિધા માટે શહેરમાં 150 જેટલા નવા પીકઅપ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા છે.


