અમદાવાદ, 17 મે 2026: Medical store owners to go on strike on Wednesday માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં ઓનલાઈન વેપારનું ચલણ વધતું જાય છે. લોકોને ઘેરબેઠા જ જરૂરિયાતની ચીજ- વસ્તુઓ મળી રહે છે. હવે તો દવાઓ પણ ઓન લાઈન મળતી હોવાથી મેડિકલ સ્ટોરધારકોની હાલત કફોડી બની રહી છે. ત્યારે ઓન લાઈન દવાના વેચાણના વિરોધમાં દેશભરના મેડિકલ સ્ટોર્સ ધારકોએ આગામી તા. 20મી મેને બુધવારે હડતાળનું એલાન કર્યું છે. જેમાં ગુજરાતભરના 35000 મેડિકલ સ્ટોર્સ ધારકો હડતાળમાં જોડાશે.
ઓલ ઈન્ડિયાના 12.40 લાખ, ગુજરાતના 35 હજાર અને અમદાવાદના 3 હજાર જેટલા મેડિકલ સ્ટોર્સધારકો 20મી મેના રોજ એક દિવસની પ્રતિક હડતાળમાં જોડાશે. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા ઓનલાઈન દવાના વેચાણને બંધ કરવામાં ન આવતા હવે કેમિસ્ટ એસોસિએશન લડી લેવામાં મૂડમાં આવી ગયું છે. કોરોના સમયમાં જે ઓનલાઈન દવાઓનો વ્યાપાર શરૂ કરવામાં આવ્યો છે તે બંધ કરવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી છે. તેમજ ડુપ્લીકેટ દવા બનાવનાર સામે પણ કડક કાયદો લાવવામાં આવે તેવી પણ માંગ કેમિસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.
કેમિસ્ટ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના સમયમાં લોકો બહાર ન નીકળે માટે ડોર સુધી દવાઓ પહોંચાડવા ઓનલાઈન વ્યાપાર શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે દવાના ઓનલાઈન વેચાણને લીધે નાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. તેમજ અલગ અલગ ડિસ્કાઉન્ટના નામે ડુપ્લીકેટ દવાઓ લોકોને આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી લોકોના સ્વાસ્થ્યને અસર થતી હોવાથી ઓનલાઈન દવાઓનો વ્યાપાર બંધ કરવાની માગ કરવામાં આવી છે. અને મેડિકલ સ્ટોર્સધારકો આગામી બુધવારે એક દિવસની પ્રતિક હડતાળ પાડશે. જો કે આ સમયે ઇમરજન્સી સેવાઓ માટે દવાઓ પૂરી પાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. કોઈ દર્દીને હાલાકી ન પડે તેવું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, 20 મે બુધવારના દિવસે ઓલ ઓવર ઇન્ડિયાના 12.40 લાખ કેમિસ્ટો એક દિવસનું બંધ રાખવાના છે. જેમાં ગુજરાતના 35 હજાર અને અમદાવાદના 3 હજાર જેટલા કેમિસ્ટો એક દિવસનું બંધ રાખવાના છે. ગેરકાયદેસર ઑનલાઇનનો જે વ્યાપાર ચાલે છે. તેમજ આજદિન સુધી કોઈ જોગવાઈ નથી છતાં પણ ગેરકાયદેસર રીતે ઓનલાઇન વેપાર ચાલી રહ્યો છે. જેને બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે.


