સુરત, 23 ઓગસ્ટ, 2026 : Fire breaks out at a loom factory શહેરના પુણા સ્થિત આંજણાફાર્મ ખાતે લુમ્સના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં 13 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ‘જય નારાયણ’ ખાતા નંબર 38 નામના કારખાનામાં રહેલા મોટા પ્રમાણના કાપડાના જથ્થાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે બે કામદારો ફસાયા હતા. ફાયર વિભાગના જવાનોને ભારે જહેમત ઉઠાવીને બન્ને કામદારોનું રેસ્ક્યુ કર્યું હતું.
આ ભનાવની વિગત એવી છે કે, શહેરના પુણા સ્થિત આંજણાફાર્મ ખાતે લુમ્સના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર સ્ટેશનો પરથી 13 ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને કારખાનાની અંદર ફસાયેલા 2 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું.
આ દુર્ઘટનામાં દાઝી ગયેલા એક વ્યક્તિ સહિત રેસ્ક્યુ કરાયેલા બંને લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગની તાત્કાલિક અને સમયસૂચક કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.


