અમદાવાદ, 23 ઓગસ્ટ, 2026 : School administrators dissatisfied with the additional workload of Gunotsav શાળાઓમાં ગુણોત્સવ-2 સામે શાળા સંચાલકોએ નારાજગી વ્યક્ત કરીને ગુણોત્સવ-2ની સમય મર્યાદા વધારવાની માગ કરી છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલી ગુણોત્સવ 2.0 ની માર્ગદર્શિકા સામે રાજ્યના સ્વનિર્ભર પ્રાથમિક શાળા સંચાલક મંડળે વિરોધ નોંધાવ્યો છે. આ અંગે રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને પત્ર લખીને સમયમર્યાદા લંબાવવાની માંગ કરી છે. પરીક્ષાના દિવસો દરમિયાન જ આ તમામ પ્રક્રિયા પતાવવાની હોવાથી શાળાઓ મુશ્કેલી અનુભવી રહી હોવાની રજુઆત કરી છે.
શાળાઓમાં ગુણોત્સવ-2 દરમિયાન ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનું ગુજરાતી અને ગણિત વિષયમાં મૂલ્યાંકન કરીને વિગતો ઓનલાઈન અપલોડ કરવાની હોય છે. વાચન-લેખન પ્રગતિ ચાર્ટ, સંખ્યાજ્ઞાન, સરવાળા, બાદબાકી, ગુણાકાર, લંબાઈ, નાણાં, વજન અને સમય જેવી બાબતોની માહિતી ચાર્ટમાં ભરવાની રહે છે. આ માટે ખાસ કમ્પ્યુટર ઓપરેટર રોકવા છતાં સમય વધુ લાગી રહ્યો છે, જેનાથી શાળાઓ પર વધારાનો વહીવટી બોજ ઊભો થયો છે. તમામ પ્રક્રિયા પતાવવા માટે શાળાઓને વધારાનો સમય અને માનવબળ ફાળવવાની માંગ કરવામાં આવી છે. જો આગામી બે દિવસમાં આ સંદર્ભે તાત્કાલિક ફેરવિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો શાળાઓને પડતી તકલીફો અને મૂંઝવણને ધ્યાનમાં રાખીને ગુણોત્સવ 2.0 ની તમામ કામગીરી અટકાવી દેવાનો જાહેરમાં આદેશ કરવાની ચીમકી પત્ર દ્વારા આપવામાં આવી છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની ધોરણ 1થી 5 સુધીની સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ 2.0 ચાલી રહ્યો છે. ધોરણ 1થી 5માં ગણિત અને ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની છે. તેનું એસેસમેન્ટ કરીને સરકાર અને એ શિક્ષણ વિભાગમાં મોકલી આપવાની છે. તેની સાથે સાથે ટ્રસ્ટ શાળાકીય અને અન્ય માહિતી પણ સરકારમાં મોકલી આપવાની છે. બે દિવસમાં જ આ બધી પ્રક્રિયા કરવાની હોવાથી ઘણી બધી શાળાઓ મુશ્કેલી અનુભવી રહી છે.


