Homeગુજરાતીગુજરાતહિંમતનગર નજીક હાઈવે પર ટ્રક પાછળ ટેમ્પો ટ્રાવેલ અથડાતા એકનું મોત, 8ને...

હિંમતનગર નજીક હાઈવે પર ટ્રક પાછળ ટેમ્પો ટ્રાવેલ અથડાતા એકનું મોત, 8ને ઈજા

હિંમતનગર, 29 ઓગસ્ટ, 2026 :  Tempo travel hits truck અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવ વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતના બનાવમાં હિંમતનગર નજીક હાઈવે પરના ઓવરબ્રિજ પર ટ્રક ટ્રેલર પાછળ ટેમ્પો ટ્રાવેલ ધડાકા સાથે અથડાતા એકનું મોત નિપજ્યું હતું. જ્યારે 8 પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર સ્ટારસિટી ઓવરબ્રિજ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટેમ્પો ટ્રાવેલર ટ્રક ટ્રેલર પાછળ ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે આઠ પ્રવાસીઓને ઈજાઓ થઈ છે. જેમાં ત્રણને પ્રવાસીને વધુ ઈજાઓ થઈ હતી અને પાંચને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે અને બાદમાં સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  હિન્દુસ્તાન લીવર લિમિટેડના ડીલર કૃતાર્થ પટેલે તેમના સેલ્સમેનો માટે રાજસ્થાનના સુન્ધા માતાજી અને જેસલમેરની ટૂરનું આયોજન કર્યું હતું. શુક્રવારે રાત્રે હિંમતનગરના હાજીપુર ગામેથી 10 લોકોને ટેમ્પો ટ્રાવેલરમાં બેસાડીને ટૂર પર જવા નીકળ્યા હતા.  સ્ટારસિટી સામેના ઓવરબ્રિજ પર આગળ જઈ રહેલા ટ્રક ટ્રેલર પાછળ ટેમ્પો ટ્રાવેલર ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ ભયાનક ટક્કરથી ટેમ્પો ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણપણે કુરચો થઈ ગયો હતો, જેના કારણે તેમાં સવાર તમામ લોકોને ઈજાઓ થઈ હતી.

સ્થાનિક લોકોના કહેવા મુજબ હાઈવે પર પડેલા ખાડાને કારણે આગળ જઈ રહેલા ટ્રક ટ્રેલરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી ટેમ્પો ટ્રાવેલર ટ્રેલર સાથે અથડાઈ હોવાનું કહેવાય છે. અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ અંકલેશભાઈ વિક્રમભાઈ પટેલ (ઉંમર 42, હાંસલપુરા, તા. હિંમતનગર) છે. ગંભીર રીતે ઘાયલ થયેલા વિષ્ણુભાઈ (રહે. જેનપુર, તા. તલોદ) છે. જ્યારે ઈજાગ્રસ્તોમાં કલ્યાણ મકવાણા (ઉંમર 25, પ્રાંતિજ), ધર્મેશ વણકર (ઉંમર 30, પ્રાંતિજ) અને રવિસિંહ ચૌહાણ (ઉંમર 30, પ્રાંતિજ) નો સમાવેશ થાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular