Homeગુજરાતીગુજરાતભાવનગરના મોટા ખૂંટવડા ગામે ઘરમાં ઘૂંસીને લૂંટ કરનારા 4 આરોપી પકડાયા

ભાવનગરના મોટા ખૂંટવડા ગામે ઘરમાં ઘૂંસીને લૂંટ કરનારા 4 આરોપી પકડાયા

ભાવનગર, 30 ઓગસ્ટ, 2026 :  4 accused in robbery case arrested  જિલ્લાના મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહેલી પરોઢે ઘરમાં ઘૂસી દંપતી પર જીવલેણ હુમલો કરી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટેલા ચાર લૂંટારૂ શખ્સોને પોલીસે દબોચી લીધા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી આ ચકચારી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા દાગીના, રોકડ રકમ તેમજ ગુનામાં વપરાયેલી ઇકો કાર સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના મોટા ખુંટવડા ગામે ફરિયાદી અને તેમના પત્ની દવલબેન રાત્રિના સમયે પોતાના ઘરે નિન્દ્રાધિન હતા. તે દરમિયાન વહેલી પરોઢે આશરે 3:00 વાગ્યાના સુમારે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ સૂતેલા દંપતી પર અચાનક હુમલો કરી પરિણીતા દવલબેનનું મોઢું અને ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ નિર્દયતાપૂર્વક કાનની બુટ તોડી ઈજા પહોંચાડી ડાબા કાનમાંથી સોનાની ટોટી તેમજ જમણા કાનમાંથી ત્રણ કડી મળી કુલ ₹40,000 ની કિંમતના દાગીનાની લૂંટ ચલાવીને આરોપીઓ અંધારામાં ફરાર થઈ ગયા હતા.

આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ મોટા ખુંટવડા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના રહેવાસી ગીલુ ઉર્ફે જીલુ ડાયાભાઈ ચારોલીયા (ઉંમર 42 વર્ષ) અને મનસુખ વેલાભાઈ ચારોલીયા (ઉંમર 36 વર્ષ) તેમજ મહુવા તાલુકાના વડલી ગામના દેવાત ઉર્ફે દેવાયત સંગ્રામભાઈ ચારોલીયા (ઉંમર 55 વર્ષ) અને કરમદિયા ગામના નાથા ઉર્ફે નાથો ભીમાભાઈ પરમાર (ઉંમર 65 વર્ષ) ની ધરપકડ કરી હતી.

પોલીસે પકડાયેલા ચારેય આરોપીઓની પૂછપરછ કરીને તેમની પાસેથી લૂંટમાં ગયેલી સોનાની ટોટી, ધાતુની કડીઓ, સોનાનો ઢાળીયો, ચાંદીનો સિક્કો, પીળી ધાતુની રીંગ સાથેના બલોયા, ₹500 ના જૂના ચલણની બે નોટો, રોકડા ₹33,000 તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ₹1,50,000 ની કિંમતની GJ-04-DN-4521 નંબરની સફેદ ઇકો ફોર વ્હીલ ગાડી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોટા ખુંટવડા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular