વડોદરા, 2 સપ્ટેમ્બર, 2026 : President Draupadi Murmu will be present at the graduation ceremony of M S University શહેર માટે સપ્ટેમ્બર મહિનો મહાનુભાવોની મુલાકાતને લીધે મહત્વનો બની રહેશે. 8મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન જાહેર સભાને પણ સંબોધન કરશે. વડાપ્રધાનની મુલાકાત બાદ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરના રોજ શહેરની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુ એમએસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહીને પદવીઓ એનાયત કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 સપ્ટેમ્બરે વડોદરા શહેર અને પાદરાની મુલાકાતે આવી રહ્યા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ મુર્મુ 23મી સપ્ટેમ્બરે સવારે 11:40 કલાકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી છાત્રોને પદવીઓ એનાયત કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ બપોરે 3:45 કલાકે પાદરા ખાતે તાજપુરા રોડ ઉપર આયોજિત બ્રહ્મકુમારીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રપતિ મુર્મુની પાદરા મુલાકાતની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયા તથા પ્રાંત અધિકારી ઐશ્વર્યા દૂબેએ પાદરાની મુલાકાત લઇ કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેને સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ પર ઉપલબ્ધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી તેમજ જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
રાષ્ટ્રપતિ મુલાકાત દરમિયાન તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે જળવાઈ રહે અને કાર્યક્રમો નિર્ધારિત સમય મુજબ સફળતાપૂર્વક યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રપતિના આગમનને અનુલક્ષીને પ્રોટોકોલ, સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા તથા અન્ય જરૂરી બાબતો અંગે સંબંધિત તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
M S યુનિવર્સિટીના સૂત્રોના કહેવા મુજબ રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી 23 સપ્ટેમ્બરના કાર્યક્રમ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ પ્રાપ્ત થઈ નથી. તેમ છતાં યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રપતિના પ્રસ્તાવિત પ્રવાસના સંદર્ભમાં તેમના કાર્યાલયનો વિધિવત્ સંપર્ક કરી રહ્યા છીએ. જો રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી 23 સપ્ટેમ્બરની સત્તાવાર પુષ્ટિ પ્રાપ્ત થાય, તો યુનિવર્સિટી તે દિવસે દીક્ષાંત સમારોહ યોજવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સત્તાવાર પુષ્ટિ મળ્યા બાદ જ કાર્યક્રમ અંગેની અંતિમ જાહેરાત કરવામાં આવશે.


