રાજકોટ, 2 સપ્ટેમ્બર, 2026 : 4 accused arrested for looting by targeting senior citizens શહેર અને તેના આજુબાજુના વિસ્તારોમાં ખાસ કરીને સિનિયર સિટિઝનોને ટાર્ગેટ કરીને લૂંટ કરતી ગેન્ગના ચાર આરોપીને પોલીસે દબોચી લીધા છે. શહેરના અટલ સરોવર નજીક બકરા ચરાવવા ગયેલા વૃદ્ધને 28 ઓગસ્ટના રોજ ટાર્ગેટ બનાવી કાનમાં પહેરેલા સોનાના ઠોળીયાની લૂંટ ચલાવી હોવાની આરોપીઓ કબુલાત કરી છે. તેમજ અન્ય એક લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. વાહનો અને છરી સહિત ₹ 2.87 લાખનો મુદામાલ પણ કબજે કર્યો છે.
રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, લૂંટ કેસમાં પકડાયેલા આરોપીઓ મોટા ભાગે એકલા જતા સિનિયર સીટીઝનને ટાર્ગેટ બનાવતા હતા અને લોકોની અવરજવર ઓછી હોય તેવી જગ્યાએ એક દોકલ લોકો અટકાવી બીક બતાવી માર મારી જે કોઈ કિંમતી ચીજવસ્તુ મળી આવે તેની લૂંટ ચલાવતા હતા. આ કેસમાં તપાસ દરમિયાન ચાર આરોપી ગૌતમ ઉર્ફે કાનો કેશુ મકવાણા, હિતેન ઉર્ફે હકો રાજુભાઈ ગોહેલ, નિલેશ ઉર્ફે ભૂરો ગોપાલભાઈ વાઘેલા અને ભરત ઉર્ફે ભરતો પોપટભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી સોનાના કાનમાં પહેરવાના ઠોળીયા, એક આઈફોન, બે વાહન, સોનાની કડી સહીત ₹ 2.87 લાખનો મુદામાલ કબ્જે કરી રાજકોટ યુનિવર્સીટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં એવી હકિકત મળી છે કે, આરોપીઓ પૈકી ગૌતમ ઉર્ફે કાનો કેશુ મકવાણા વિરુધ્ધ અગાઉ હત્યા સહીત 10 ગુના, હિતેન ઉર્ફે હકો રાજુભાઈ ગોહેલ વિરુદ્ધ હત્યા સહિત 3 ગુના, નિલેશ ઉર્ફે ભૂરો ગોપાલભાઈ વાઘેલા વિરુધ્ધ 8 ગુના અને ભરત ઉર્ફે ભરતો પોપટભાઈ પરમાર વિરુધ્ધ 10 ગુના નોંધાઈ ચુકયા છે. હાલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા 28 ઓગસ્ટના રોજ યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ લૂંટ અને 5 ઓગસ્ટના રોજ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. અને વધુ કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા ચારેય આરોપીના રિમાન્ડ મેળવી તજવીજ હાથ ધરવામાં આવી છે.


