અમદાવાદ, 4 સપ્ટેમ્બર, 2026 : Rickshaw drivers to go on strike from Monday રાજ્યના મહાનગરોમાં ઓનલાઇન કેબ અને બાઇક રાઇડિંગ એપ્લિકેશનો સામે રિક્ષા અને ટેક્સી ચાલકો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા ઓનલાઈન કેબ અને બાઈક રાઈડીંગ સેવાથી સ્થાનિક રિક્ષાચાલકોને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં સંયુક્ત યુનિયનોએ આકરા પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા સહિતના વિવિધ રિક્ષા અને ટેક્સી સંગઠનોએ 7થી 10 સપ્ટેમ્બર સુધી સતત ચાર દિવસ માટે સંપૂર્ણ હડતાળ પાડવાની સત્તાવાર જાહેરાત કરી છે. તંત્રને જગાડવા માટે આંદોલનકારીઓએ અતિ આવશ્યક કે ઇમરજન્સી સંજોગોમાં પણ રિક્ષા અને ટેક્સી સેવાઓ બંધ રાખવાનું કડક આહવાન કર્યું છે.
અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી યુનિયનના અગ્રણીઓના કહેવા મુજબ ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા ઓનલાઇન એગ્રીગેટર એપ્લિકેશનો સરકારી નિયમો અને ધારાધોરણોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે. ખાસ કરીને વ્યાપારી હેતુ વિનાની ખાનગી ટુ-વ્હીલર બાઇકોને ગેરકાયદે પેસેન્જર સેવાઓમાં જોડીને પરંપરાગત રિક્ષાચાલકોની રોજીરોટી છીનવી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત સરકારે નિર્ધારિત કરેલા વાજબી મીટર ભાડાને બદલે મનસ્વી રીતે અલ્ગોરિધમ આધારિત નીચા અને અનિયંત્રિત ભાડા લાદીને ચાલકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ કાળા કારોબારને ડામવા અને સરકારી માપદંડો મુજબનું સત્તાવાર ભાડું તમામ એપ્સમાં લાગુ કરવાની મુખ્ય માંગ સાથે લડત આપવામાં આવી રહી છે.
અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયનના અગ્રણીએ જણાવ્યું હતું કે, યુનિયનના અગ્રણીઓએ ગત 27 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર કમિશનરને રૂબરૂ મળીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ વિરોધના પ્રથમ તબક્કા તરીકે 28 ઓગસ્ટથી તમામ વાહનો પાછળ જાગૃતિ અને વિરોધ દર્શાવતા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. જોકે, વહીવટી તંત્ર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ કે ખાતરી ન મળતાં રિક્ષા અને ટેક્સી યુનિયનોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે માત્ર કાગળ પર રજૂઆતો કરવાથી સરકાર નહીં જાગે, જેથી ચાર દિવસ સુધી સમગ્ર પરિવહન વ્યવસ્થા ઠપ કરીને સત્તાવાળાઓ પર દબાણ બનાવવામાં આવશે.
રિક્ષા અને ટેક્સી યુનિયનોની સંયુક્ત બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આગામી 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ શહેરમાં અંદાજે 3 લાખ રિક્ષાઓ અને 50,000થી વધુ ટેક્સીઓ હડતાળ પાડશે. યુનિયનોએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, હોસ્પિટલ કે અન્ય તાકીદના કિસ્સાઓમાં પણ રિક્ષા દોડાવવામાં આવશે નહીં, જેથી મુસાફરોએ અગાઉથી પોતાના ખાનગી વાહનો અથવા જાહેર પરિવહનની વ્યવસ્થા કરી લેવી પડશે. યુનિયનના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ચાર દિવસના બંધ પછી પણ સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી નહીં જાગે, તો આગામી દિવસોમાં આ આંદોલનને રાજ્યવ્યાપી બનાવીને અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે.


