અમદાવાદ, 4 સપ્ટેમ્બર, 2026 : Janmashtami festival ગુજરાતભરમાં આજે જન્માષ્ટમીનું પર્વ ભારે ઉમંગ અને ઉલ્લાસથી ઊજવાશે. નાના-માટા તમા શહેરો અને ગામડાંઓમાં કૃષ્ણ જન્મોત્સવ ઊજવાશે. ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં તેમજ શામળાજી વિષ્ણુમંદિર અને ડાકોરના રણછોડરાય મંદિરે જન્માષ્ટમીના પાવન પર્વની ભવ્ય ઊજવણી કરાશે. વિશ્વવિખ્યાત દ્વારકાધીશ મંદિર, શામળાજી મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મદિવસ ધાર્મિક શ્રદ્ધા અને પરંપરાગત વિધિ-વિધાન સાથે ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના પર્વને લઈને દ્વારકામાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણને ખુલ્લા પડદે સ્નાન કરાવાશે. શામળાજીમાં 100થી વધુ મટકીઓ ફોડાશે, તો ડાકોરમાં જન્માષ્ટમી પર દ્વારકા જેવુ ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે.
જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિર, શામળાજી મંદિર અને ડાકોર મંદિરમાં દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો મુખ્ય ઉત્સવ મધરાતે ઉજવાશે. નિર્ધારિત સમયે ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવની વિશેષ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ ભક્તોને ભગવાનના વિશેષ દર્શનનો લાભ મળશે. ‘નંદ ઘેર આનંદ ભયો’ના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર કૃષ્ણમય બની જશે.
જન્માષ્ટમીના પર્વને લઈને દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. . ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા આવશે. અનેક ભક્તો જન્માષ્ટમીના દિવસે ભગવાનના જન્મસ્થળની પાવન નગરીમાં રહીને મધરાતે યોજાતા જન્મોત્સવના સાક્ષી બનશે. મધ્યગુજરાતના લોકો ડાકોર અને ઉત્તરગુજરાતના લોકો શામળાજીમાં કૃષ્ણજન્મના સાક્ષી બનશે.


