અમરેલી, 5 સપ્ટેમ્બર, 2026 : A lion attacked a farm laborer જિલ્લામાં સિંહ દ્વારા માનવીઓ પર હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે સિંહે ખેતમજુર પર હુમલા કર્યાનો વધુ એક બનાવ બન્યો છે. જિલ્લાના નાની કુંકાવાવ અને લાખાપાદર ગામની સીમ વિસ્તારમાં ગોકુળભાઈ શીંગાળાની વાડીમાં સનીયાભાઈ ભાયડીયા નામના ખેતમજૂર કપાસમાં નીંદણનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક બે સિંહ આવી પહોંચ્યા હતા. તેમાંથી એક સિંહે સનીયાભાઈ પર હુમલો કર્યો હતો. આથી સનીયાભાઈએ બૂમાબૂમ કરતા ખેતમજૂરની બૂમો સાંભળીને બંને સિંહ ત્યાંથી ભાગી ગયા હતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને ખેતમજૂરનો જીવ બચી ગયો હતો. ઘટનાને પગલે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સિંહના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ખેતમજુર સનીયાભાઈને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં વનવિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. વનવિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સિંહોનું લોકેશન મેળવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.
સિંહના હુમલાનો ભોગ બનેલા સનીયાભાઈ ભાયડીયાએ જણાવ્યું હતું કે, વાડીમાં કપાસમાં નીંદણનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક કપાસમાંથી સિંહ આવી ચડ્યો હતો. સિંહે પાછળથી તેમના પર ઝપટ મારી હતી. ત્યારબાદ તેમણે બૂમાબૂમ કરતાં સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળે બે સિંહ હતા. આ અંગે ઇન્ચાર્જ એસીએફ રાજન જાદવે જણાવ્યું હતું કે, વન્યપ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની જાણ થઈ છે અને વનવિભાગની ટીમ ઘટના સ્થળે હાજર છે. બનાવ સ્થળની આસપાસ બે સિંહોના લોકેશન મળ્યા છે. જોકે, ખેતમજૂર પર હુમલો કરનાર સિંહ આ જ પૈકીનો હતો કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
અમરેલી જિલ્લામાં સિંહોની વસતીમાં વધારો થયો છે. સીમ વિસ્તારોમાં શિકારની શોધમાં સિંહની અવરજવર સતત જોવા મળી રહી છે. ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોની સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે. સ્થાનિક સ્તરે સિંહોના લોકેશન અને મોનિટરિંગ સાથે વનવિભાગનું પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવવાની માંગ ઉઠી રહી છે.


