વઢવાણ, 5 સપ્ટેમ્બર, 2026 : The Krishna Janmashtami Shabho Yatra ઝાલાવાડ પંથકમાં જન્માષ્ટમીનો તહેવાર ભારે આનંદોલ્લાસથી ઊજવાયો છે. સુરેન્દ્રનગર શહેરથી લઈને વઢવાણ સુધીના મંદિરો અને ધાર્મિક સ્થળોએ નંદોત્સવના કાર્યક્રમો યોજાયા હતા. વઢવાણ શહેરમાં કૃષ્ણ જન્મોત્સવની શાભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે નાના બાળકો પણ બાળ કૃષ્ણના રૂપમાં સજીને શોભાયાત્રામાં જોડાયા હતા.
વઢવાણ શહેરમાં શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરીને નીજ મંદિરે પરત ફરી હતી. શોભાયાત્રામાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શાભાયાત્રામાં 12 વર્ષના તેજસ ઉતેરીયાએ નટખટ કાનકુવર બનીને સૌના દિલ જીતી લીધા હતા. તેણે કૃષ્ણના વેશમાં સજીને ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિ બતાવી. બાળ કૃષ્ણના મનમોહક સ્વરૂપે બનેલા તેજસ સહિત લોકોમાં કૃષ્ણ ભક્તિનો ઘણો ઉત્સાહ જોવા મળ્યો. વિવિધ જગ્યાએ નાના બાળકો કૃષ્ણ-રાધાના વેશમાં દેખાતા જન્માષ્ટમીનું વાતાવરણ વધુ રંગીન અને ભક્તિમય બન્યું હતું.
વઢવાણ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી. જન્માષ્ટમી નિમિત્તે વઢવાણના મોતીચોક ખાતે આવેલા મુરલી મનહર મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરના મુખ્ય રસ્તાઓ અને વિસ્તારોમાંથી પસાર થઈ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ટ્રેક્ટરો, ગાડાઓ અને વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા. ભગવાન શ્રીકૃષ્ણના જીવન પ્રસંગો અને ધાર્મિક સંદેશ આપતા ટેબ્લો સાથે ભક્તિમય વાતાવરણમાં શોભાયાત્રા યોજાઈ હતી.
જન્માષ્ટમીની ઉજવણીમાં પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાયો. મટકી ફોડ દરમિયાન યુવાનો અને ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. ‘જય શ્રીકૃષ્ણ’ અને ‘નંદ ઘેર આનંદ ભયો’ જેવા જયઘોષથી આખું વઢવાણ શહેર ભક્તિના રંગે રંગાઈ ગયું. વઢવાણની ધોળીપોળ ખાતે આવેલા રામમહેલ મંદિર પાસે રામી માળી સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષથી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમ થાય છે. આ વર્ષે પણ તેનું આયોજન કરાયું હતું.


