Homeગુજરાતીગુજરાતજમીન સંપાદનની શક્યતા હોય તેવી જમીનને બિનખેતીની પરવાનગી નહીં અપાય

જમીન સંપાદનની શક્યતા હોય તેવી જમીનને બિનખેતીની પરવાનગી નહીં અપાય

ગાંધીનગર, 5 સપ્ટેમ્બર, 2026 : NA permission will not be granted for land that has the potential for land acquisition. ગુજરાતમાં સરકાર કે કોઈ એજન્સી દ્વારા જમીન સંપાદન થવાની હોય તેવા સ્થળોએ ઊંચા વળતર માટે રાતોરાત ખેતીની જમીનોને બિન ખેતી કરી લેવાતી હોય છે. તેમજ  જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન જમીનને બિનખેતી (NA) મંજૂરી આપવામાં આવતી હોવાથી પ્રોજેક્ટ પર વિપરીત અસર થતી હોવા તેમજ સંપાદક સંસ્થા પર વધારાનો નાણાકીય બોજ પડતો હતો. આ બાબત સરકારના ધ્યાન પર આવતા મહેસૂલ વિભાગે જમીન સંપાદન અંતર્ગત આવતી જમીનો માટે જમીન મહેસૂલ કાયદાની કલમ-65 હેઠળ બિનખેતી પરવાનગી આપવા અંગે નવી કાર્યપદ્ધતિ નક્કી કરી છે.

 રાજ્યના મહેસુલ વિભાગના પરિપત્રમાં જે નિયમો જારી કરવામાં આવ્યા છે. જેમાં DPRના તબક્કે સંભવિત ગામોની યાદી કલેક્ટરને આપવી પડશે. સંપાદક સંસ્થા દ્વારા DPR તૈયાર કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ હોય તેવા તબક્કે યોજનામાં સંભવિત સમાવિષ્ટ થનાર ગામોની યાદી જિલ્લા કલેક્ટરને સોંપવાની રહેશે. ગામોની NA મંજૂરીની કાર્યવાહી 60 દિવસ સ્થગિત રહેશે. આવી યાદી મળેથી, યાદી મુજબના ગામોની બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાની રહેશે. 60 દિવસમાં સંપાદનપાત્ર સંભવિત સર્વે નંબરો ઓળખવાના રહેશે, બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી સ્થગિત કર્યાના 60 દિવસના સમયગાળાની અંદર સંપાદન કરવાપાત્ર સંભવિત સર્વે નંબરોની ઓળખ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ માત્ર સંપાદન થનાર સર્વે નંબરો માટે બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી સ્થગિત રાખવાની રહેશે, જ્યારે અન્ય સર્વે નંબરો માટે બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી કરી શકાશે.

આ ઉપરાંત સંભવિત સર્વે નંબરોની ઓળખ થયા બાદ સંપાદક સંસ્થા દ્વારા અલાઇમેન્ટ કે યોજનાનું આખરીકરણ થયા પછી, યોજનામાં સમાવિષ્ટ સંપાદન કરવાપાત્ર સર્વે નંબરોની યાદી કલેક્ટરને રજૂ કરવાની રહેશે. આવા સર્વે નંબરો માટે 1 વર્ષ સુધી બિનખેતી અંગેની કાર્યવાહી સ્થગિત રાખવાની રહેશે. આ સમયગાળા દરમિયાન સંપાદક સંસ્થા જમીન સંપાદન સંબંધિત જરૂરી મંજૂરીઓ મેળવી શકશે અને જમીન સંપાદનની દરખાસ્ત કરી શકશે. આ કાર્યપદ્ધતિના અમલીકરણ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (S.M.C.) દ્વારા N.I.C. મારફતે સોફ્ટવેરમાં જરૂરી સુધારા કરવાના રહેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular