પાટણ, 6 સપ્ટેમ્બર, 2026 : 3 killed as eco-car rams into parked truck on Radhanpur-Varahi highway રાજ્યના ઘોરી માર્ગો પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ રાધનપુર નજીક સર્જાયો હતો. રાધનપુર-વારાહી નેશનલ હાઈવે નંબર-27 પર રાઘવજી હોટલ પાસે મોડી રાત્રે હાઈવે પર ઊભેલી એક ટ્રક પાછળ ઈકોકાર ધડાકા સાથે અથડાતા ઈકો કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે એક બાળક સહિત 4 લોકો ઘાયલ થતાં હાલ તેમને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, અંજારમાં રહેતા શક્તિસિંહ જાડેજા અને તેમના ત્યાં કામ કરતા મુકેશ કોળી અને વિષ્ણુ રવાજી સહિત મિત્રો ખાટું શ્યામ દર્શન કરી ઈકો કાર નંબર GJ-39-CD-1712 માં બેસી અંજાર પરત ફરી રહ્યા હતા, ત્યારે રાધનપુર-વારાહી નેશનલ હાઈવે નંબર-27 પર રાઘવજી હોટલ પાસે મોડી રાત્રે હાઈવે પર ઊભેલી એક ટ્રક પાછળ ઈકોકાર ધડાકા સાથે અથડાતા ઈકો કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે, કારની ડ્રાઈવિંગ સીટ પર લોહીનું ખાબોચિયું ભરાયું હતું અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતકોમાં સુનિલ ચાવડા, વિષ્ણુ રવાજી ( ડ્રાઈવર) અને શક્તિસિંહ બહાદુરસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે ગોપાલસિંહ ગોહિલ – (ઉં.વ.27), મુકેશ કોળી –( ઉં.વ.22), કિશોરસિંહ જાડેજા – (ઉં.વ 37), અને સત્યરાજસિંહ શક્તિસિંહ જાડેજા – (ઉં.વ.14) ને ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સથી તરત જ રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલ લઈ જવાયા હતા. પ્રાથમિક સારવાર પછી વધુ સારવાર માટે ચારેય ઈજાગ્રસ્તોને ધારપુર મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ રાધનપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે ફરાર ટ્રકડ્રાઇવરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ટ્રક વિરમગામથી સાંતલપુર સસ્તા અનાજની દુકાનનો માલ ઉતારવા જતી હતી.


