Homeગુજરાતીગુજરાતપડધરીના દહિંસરડા ગામે ચેક ડેમમાં નહાવા પડેલા ચાર બાળકોના ડૂબી જતા મોત

પડધરીના દહિંસરડા ગામે ચેક ડેમમાં નહાવા પડેલા ચાર બાળકોના ડૂબી જતા મોત

રાજકોટ, 6 સપ્ટેમ્બર, 2026 : જિલ્લાના પડધરી તાલુકાના દહિસરડા આજી ગામના ચેકડેમમાં નહાવા પડેલા ચાર બાળકોના ડૂબી જતા મોત નિપજ્યા છે. ગામની એક જ શેરીમાં રહેતા અને દરરોજ સાથે રમતા ત્રણ બાળકો અને તેની સાથે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મામાના ઘરે ફરવા આવેલા ભાણેજ સાથે એમ ચારેય બાળકો શનિવારે બપોરે ગામના હનુમાન મંદિર પાછળના ચેકડેમમાં નહાવા માટે ગયા હતા, જેમાં ચારેય બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ તરવૈયાની મદદથી ચારેય યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ નાના એવા ગામમાં એક સાથે ચાર બાળકોના મોતથી શોકનો માહોલ છવાયો છે. દહિસરડામાં 3 મિત્રની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી. જયારે મામાના ઘરે આવેલો ભાણેજ 12 વર્ષીય વંશિત વિજયભાઈ ખંભાયતાના અંતિમ સંસ્કાર જામનગરના ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામે કરાયા હતા.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દહીસરડા આજી ગામ ખાતે પાટવાળા હનુમાન મંદિર પાસે 5 સપ્ટેમ્બરને શનિવારના રોજ બપોરના સમયે 3થી 4 વાગ્યા આસપાસ ગામમાં એક જ શેરીમાં રહેતા અને સ્કૂલમાં સાથે ભણતા 3 મિત્રો અને ધ્રોલથી દહીસરડા મામાના ઘરે આવેલા ભાણેજ મળી ચારેય મિત્રો નહાવા માટે ચેકડેમમાં ગયા હતા જ્યાં ડૂબી જવાથી ચારેયના મોત નિપજ્યા હતા. ગ્રામજનોએ શોધખોળ કરતા ચારેય બાળકોના કપડા અને ચપ્પલ ચેકડેમ પાસે નજીકમાં મળી આવ્યા હતા. જેથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા રાજકોટ મ્યુનિના ફાયર વિભાગની ટીમ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબી ગયેલા બાળકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે ગ્રામજનોએ ફાયરના જવાનો પહોંચે તે પહેલા બે બાળકોના મૃતદેહ બહાર કાઠી લીધા હતા. જ્યારે ફાયરના જવાનોએ અન્ય બે બાળકોના મૃતદેહ શોધીને બહાર કાઢ્યા હતા.  8 કલાકની જહેમત બાદ ફાયર વિભાગે બે બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ચારેય બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular