સુરેન્દ્રનગર, 16 સપ્ટેમ્બર,2026 : Tarnetar folk festival, ‘Motna Kuva’ stage collapses જિલ્લાના થાનગઢ નજીક આવેલા ઐતિહાસિક ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં તરણેતરના ભાતીગળ લોકમેળાના મંગળવારે બીજા દિવસે મેળાની મોજ માણવા માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. મેળાના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રંગમાં ભંગ પડ્યો હતો. જો કે મંગળવારે બીજા દિવસે આકરા તાપ વચ્ચે મેળામાં ભારે ભીડ જોવા મળી રહી છે અને મેળો બરાબરનો જામ્યો છે. દરમિયાન મેળામાં મોતના કૂવાના આગળના ભાગમાં બનાવવામાં આવેલું સ્ટેન્ડ અચાનક તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે પાંચથી છ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવ સમયે કેટલાક લોકોએ લોખંડની એંગલને ટેકો આપીને પકડી રાખી પોતાનો બચાવ કર્યો હતો, જેથી આ મોટી દુર્ઘટના સર્જાતા સહેજ માટે અટકી ગઈ હતી.
તરણેતરના ભાતીગળ લોકમેળાનો 14મી સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે, મેળાના પ્રથમ દિવસે વરસાદના કારણે લોકો ભાતીગળ મેળાની મજા માણી શક્યા નહોતા. મેળાના મેદાનમાં જ્યાં માનવ મહેરામણ છલકાતો હોય છે, ત્યાં ચારેય તરફ કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આથી, લોકો નિરાશ થઈને ઘરે પરત ફરવા મજબૂર બન્યા હતા. સોમવારે મેળામાં લોકોની ભીડ પણ ઓછી જોવા મળી હતી. સોમવારની રાત્રે પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા, પરંતુ મેળાના બીજા દિવસે મંગળવારે આકરો તાપ નીકળતા જનમેદની ઉમટી પડી હતી અને મેળો જોરદાર જામ્યો હતો. મંગળવારથી મેળામાં તમામ ઓલમ્પિક સ્પર્ધાઓનો પણ પ્રારંભ કરી દેવાયો છે. તમામ વેપારીઓ અને મુલાકાતીઓ બાકીના દિવસોમાં મેઘરાજા વિરામ લે તે માટે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છે. મંગળવારે મેળામાં મોતના કૂવાના આગળના ભાગમાં બનાવવામાં આવેલું સ્ટેન્ડ અચાનક તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે પાંચથી છ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવ સમયે કેટલાક લોકોએ લોખંડની એંગલને ટેકો આપીને પકડી રાખી પોતાનો બચાવ કર્યો હતો


